ગાંધીનગર: ભાગીને લગ્ન કરનારા યુગલોની લગ્ન નોંધણી માટે સરકાર નવા નિયમો લાવવાની તૈયારીમાં છે. આવતીકાલે મળનારી કેબિનેટ બેઠકમાં સુધારેલા નિયમોને મંજૂરી મળી શકે છે. નવા પ્રસ્તાવ મુજબ ક્લાસ-2 અધિકારીની મંજૂરી વગર સીધી લગ્ન નોંધણી થઈ શકશે નહીં.
ભાગીને લગ્ન કરનાર યુગલોની લગ્ન નોંધણીની પ્રક્રિયા અંગે સરકાર મોટા ફેરફાર કરવાની તૈયારીમાં છે. આવતીકાલે મળનારી રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં લગ્નની નોંધણી સંબંધિત સુધારેલા નિયમોને મંજૂરી મળવાની શક્યતા છે. જો આ પ્રસ્તાવને લીલી ઝંડી મળશે તો સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. પ્રસ્તાવિત નિયમો મુજબ, ભાગીને લગ્ન કરનારા યુગલોની લગ્નની નોંધણી માટે હવે ક્લાસ-2 અધિકારીની અંતિમ મંજૂરી ફરજિયાત બનાવવામાં આવશે. ક્લાસ-2 અધિકારીની મંજૂરી વગર સીધી રીતે લગ્ન નોંધણી શક્ય નહીં રહે. હાલ તલાટી-કમ-મંત્રી દ્વારા કરવામાં આવતી પ્રક્રિયા બાદ અરજીને ઉચ્ચ અધિકારી સમક્ષ મોકલવાની જોગવાઈ રાખવામાં આવી છે. નવા નિયમોમાં મહત્વનો ફેરફાર એ પણ સૂચવાયો છે કે ભાગીને લગ્ન કરનાર યુવક-યુવતીના માતા-પિતા અથવા વાલીઓને નોટિસ મોકલવામાં આવશે. નોટિસ મળ્યા બાદ 30 દિવસની અંદર તેઓ પોતાનો જવાબ અથવા રજૂઆત કરી શકશે. આ સમયમર્યાદા પૂર્ણ થયા બાદ જ નોંધણી પ્રક્રિયા આગળ વધારવામાં આવશે.