Vadodara

ખાખીનો ખોફ ક્યાં? વડોદરામાં રસ્તા પર ગાયો બાંધવાના વિવાદમાં સગીરા સહિત દંપતી પર લાકડીઓથી હુમલો

પરિવારનો આક્ષેપ: આરોપી ‘ભાવલો’ અને લાલજી હુમલો કરી ફરાર, સામો ખોટો કેસ કરવાની પણ ધમકી આપી

વડોદરા સંસ્કારી નગરી વડોદરાના ગોત્રી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક ચરમસીમાએ પહોંચ્યો હોય તેવો ઘાતકી બનાવ પ્રકાશમાં આવ્યો છે. ગોત્રીના ગોકુળનગર પાસે આવેલા પાર્વતીનગર વિસ્તારમાં ગાયો બાંધવા અને ગંદકી ફેલાવવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં પાડોશમાં રહેતા શખ્સોએ એક માળી પરિવારના ઘરમાં ઘૂસીને પરિવારના સભ્યો પર લાકડીઓ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
મળતી માહિતી મુજબ, પાર્વતીનગરમાં રહેતા પૂનમભાઈ માળીના પરિવાર અને પડોશમાં ગાયો રાખતા શખ્સો વચ્ચે લાંબા સમયથી ગાયોના કારણે થતી ગંદકી બાબતે વિવાદ ચાલતો હતો. ભોગ બનનાર પૂનમભાઈએ જણાવ્યું હતું કે, પડોશમાં ગાયો બાંધનારા શખ્સો રસ્તા વચ્ચે ગંદકી કરે છે અને એક્ટિવા ઉભું રાખી દે છે. જ્યારે તેમની 16 વર્ષની સગીર પુત્રી બહાર નીકળી ત્યારે આરોપીઓએ તેની સાથે ગંદી ગાળાગાળી કરી હતી.
તકરાર એટલી હદે વધી ગઈ હતી કે, આરોપી ભાવલો અને તેનો પિતા લાલજી તથા પરિવારની મહિલાઓ લાકડીઓ લઈને માળી પરિવાર પર તૂટી પડ્યા હતા. આક્ષેપ છે કે આરોપીઓએ ઘરમાં ઘૂસીને સગીરાનો ચોટલો પકડી તેને જમીન પર પછાડી હતી અને પૂનમભાઈ તથા તેમની પત્નીને પણ લાકડીઓ અને પથ્થરો વડે ઢોર માર માર્યો હતો.
પરિવારના આક્ષેપો અને પોલીસ કાર્યવાહી:
હુમલામાં ઘવાયેલા પૂનમભાઈ માળી અને તેમના પત્નીને શરીરના વિવિધ ભાગોએ ઈજાઓ પહોંચી છે. પૂનમભાઈએ જણાવ્યું કે, હુમલો કર્યા બાદ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. વધુમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે, આરોપીઓએ ઉલટાનું તેમની પર ‘ધારીયું’ રાખવાનો ખોટો કેસ કર્યો છે, જ્યારે હકીકતમાં તેમની પાસે કોઈ હથિયાર નહોતું.
સ્થાનિક રહીશોમાં આ અસામાજિક તત્વોના કારણે ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. ભોગ બનનાર પરિવારે માગણી કરી છે કે, વિસ્તારમાં ગાયોનો ત્રાસ બંધ કરાવવામાં આવે અને હુમલો કરનાર ‘ભાવલા’ નામના શખ્સ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. હાલ ગોત્રી પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી રહી છે.

Most Popular

To Top