Vadodara

શ્રીખંડના પેકેટમાં ફૂગ નીકળતા ખાદ્ય વિભાગની કામગીરી સામે સવાલ

બંસલ મોલ કે ‘બીમારી’ મોલ? એક્સપાયરી ડેટ 2026 હોવા છતાં શ્રીખંડમાં નીકળી ફૂગ!

વડોદરાના ગોત્રીમાં ગ્રાહકનો હોબાળો; મોલ મેનેજમેન્ટે જવાબદારી સ્વીકારવાને બદલે હાથ અધ્ધર કર્યા, માસૂમ બાળકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં

વડોદરા શહેરમાં પ્રતિષ્ઠિત ગણાતા મોલ અને સ્ટોર્સમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સામે ફરી એકવાર સવાલ ઉભો થયો છે. વડોદરાના ગોત્રી-વાસણા રોડ પર આવેલા જાણીતા ‘બંસલ મોલ’ માંથી ખરીદેલા શ્રીખંડના પેકેટમાં ફૂગ નીકળતા ગ્રાહકે ભારે રોષ વ્યક્ત કર્યો છે. ખાસ વાત એ છે કે, આ પ્રોડક્ટની એક્સપાયરી ડેટ વર્ષ 2026 સુધીની હોવા છતાં અંદરથી ખરાબ માલ નીકળતા મોલના મેનેજમેન્ટ અને આરોગ્ય વિભાગની કામગીરી પર પ્રશ્નો ઉઠ્યા છે.
મળતી માહિતી મુજબ, ગોત્રી વિસ્તારમાં રહેતા એક મહિલા ગ્રાહકે ગત 28મી તારીખે નીલાંબર સર્કલ પાસે આવેલા બંસલ મોલમાંથી ઘરવખરીના સામાન સાથે શ્રીખંડની ખરીદી કરી હતી. ગ્રાહકે જ્યારે ઘરે જઈને આ શ્રીખંડનું પેકેટ ખોલ્યું, ત્યારે તેમાં ઉપરના ભાગે સફેદ ફૂગ જોવા મળી હતી. આ જોઈ ગ્રાહક ચોંકી ઉઠ્યા હતા કારણ કે પેકેટ પરની એક્સપાયરી ડેટ મે-2026 છાપવામાં આવી હતી.
પીડિત ગ્રાહકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “મેં રવિવારે બંસલ મોલમાંથી બધી કરિયાણાની વસ્તુઓ લીધી હતી. ઘરે ગયા બાદ મારા બાળકે તેમાંથી એક ચમચી શ્રીખંડ ખાધો અને તરત જ કહ્યું કે તેને સ્વાદ સારો નથી લાગતો. મેં તપાસ કરી તો અંદર ફૂગ હતી. જો મારા બાળકે આ આખું ખાઈ લીધું હોત અને તેની તબિયત બગડી હોત તો જવાબદાર કોણ?” ગ્રાહકે વધુમાં આક્ષેપ કર્યો હતો કે આવા પેકિંગ ફૂડ લોકોના અને ખાસ કરીને નાના બાળકોના જીવન સાથે ખેલ સમાન છે.
આ મામલે જ્યારે મહિલા ગ્રાહક ફરિયાદ કરવા માટે મોલ પર પહોંચ્યા, ત્યારે તેમને સંતોષકારક જવાબ મળ્યો નહોતો. ગ્રાહકના જણાવ્યા અનુસાર, મોલના કર્મચારીઓએ તેમને ઓનલાઇન ફરિયાદ કરવાનું કહીને હાથ અધ્ધર કરી દીધા હતા. મેનેજરને મળવાની માંગ કરવા છતાં લાંબા સમય સુધી તેમને રાહ જોવડાવવામાં આવી હતી અને કોઈ જવાબદારી લેવા તૈયાર નહોતું. મોલ દ્વારા માત્ર રિફંડ આપીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરાયો હોવાનો પણ આક્ષેપ થયો છે.
શહેરના મોટા મોલમાં આ પ્રકારે ફૂગવાળી વસ્તુઓ વેચાતી હોવાથી સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ગ્રાહકોની માંગ છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આવા મોલ પર કડક કાર્યવાહી કરવામાં આવે અને તમામ સ્ટોકનું ચેકિંગ કરવામાં આવે. એક્સપાયરી ડેટ હોવા છતાં પ્રોડક્ટ કેમ બગડી ગઈ અથવા ડેટ સાથે ચેડાં કરવામાં આવ્યા છે કે કેમ, તે તપાસનો વિષય છે.
​હાલમાં તો આ ઘટના બાદ ગ્રાહકોમાં પેકિંગ ફૂડ પ્રત્યે અવિશ્વાસ જોવા મળી રહ્યો છે. પીડિત મહિલાએ અપીલ કરી છે કે અન્ય લોકો પણ પેકિંગ ફૂડ ખરીદતી વખતે સાવચેતી રાખે અને તંત્ર આ બંસલ મોલ સામે કડક પગલાં ભરે.

Most Popular

To Top