Vadodara

આરટીઓ ઈન્સ્પેક્ટરો પાંચ વર્ષે મળવા પાત્ર પ્રમોશનથી બાર વર્ષે પણ વંચિત

મોટર વ્હીકલ ઓફિસર્સ એસોસિએશને ફરી સરકાર સામે બાંયો ચડાવી

માર્ચ મહિનામાં બઢતી માટે બેઠક થઈ હોવા છતાં હજી સુધી બઢતીના ઓર્ડર કરવામાં વિભાગના ઠાગાઠૈયા

( પ્રતિનિધિ )વડોદરા,તા.30

પાંચ વર્ષે મળવા પાત્ર બઢતી આરટીઓના આ.ઈન્સ્પેક્ટરો અને ઈન્સ્પેક્ટરોને બાર બાર વર્ષ થયાં બાદ પણ આપવામાં નહિ આવતા ફરી એકવાર મોટર વ્હીકલ ટેક્નિકલ ઓફિસર્સ એસોસિએશન દ્વારા સરકાર સામે બાંયો ચઢાવી અગાઉના આંદોલનને ફરીથી શરૂ કરવા ચીમકી ઉચ્ચારી છે.

ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ ટેક્નિકલ ઓફિસર એસોસિએશન દ્વારા ડિસેમ્બરની શરૂઆતમાં જ પોતાના પડતર પ્રશ્નોને લઈને અગ્ર સચિવ, વાહન વ્યવહાર કમિશનરથી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં વર્ષ 2013 ની બેચના સહાયક મોટર વાહન નિરીક્ષક અને મોટર વાહન નિરીક્ષકને બઢતી માટે માર્ચ મહિનામાં જીપીસી થવા છતાં હજી સુધી બદલીના હુકમો થયા નથી. પાંચ વર્ષે મળવા પાત્ર બઢતી સાથે અધિકારીઓ બાર બાર વરસથી રાહ જોઈને બેઠા છે. સંખ્યાબંધ અધિકારીઓને 10 વર્ષથી વધુ સમય થયો હોવા છતાં ઉચ્ચતર પગાર ધોરણની મંજૂર થયું નથી. જે મુદ્દે એસોસિએશન દ્વારા પડતર પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા માટે રજૂઆત કરી હતી. જોકે, હજી સુધી આ અંગે કોઈ હકારાત્મક વલણ સરકાર તરફે નહિ અપનાવાતા ના છૂટકે એસોસિયેશન દ્વારા અગાઉના આંદોલનને ફરીથી શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જો આગામી દિવસોમાં બઢતીના પ્રશ્નનો ઉકેલ લાવવામાં નહિ આવેતો ફરીથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Most Popular

To Top