એકાઉન્ટ સેન્ટર કબજા, લોગો–બેંક વિગતો બદલાઈ, ટ્રેડમાર્ક માટે ખોટા દસ્તાવેજ બનાવ્યાનો આક્ષેપ
દાહોદ | તા.30 |
દાહોદની જાણીતી ડિજિટલ ન્યૂઝ ચેનલ દાહોદ લાઈવના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હાઇજેક કરી છેતરપિંડી કર્યાનો ગંભીર મામલો સામે આવ્યો છે. ચેનલના પ્રોપરાઇટર રાજેન્દ્ર શર્માની ફરિયાદના આધારે આરોપી નીલુ મુકેશ ડોડીયા સામે પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ, આરોપીએ Facebook–Instagramના Account Centerમાં ગેરકાયદેસર પ્રવેશ મેળવી સિક્યોરિટી સેટિંગ્સ સાથે છેડછાડ કરી હતી. મોબાઇલ નંબર, ઇમેલ અને Two-Factor Authentication બદલી પ્રોપરાઇટરને બહાર કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ચેનલનો લોગો બદલવો, એકાઉન્ટ સેન્ટરમાં પોતાનું બેંક એકાઉન્ટ ઉમેરવું, તેમજ ચેનલના નામે આવતી જાહેરાતોના રૂપિયા ગેરકાયદેસર રીતે મેળવવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત, ચેનલના નામે પહેલેથી ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હોવા છતાં એ જ નામે નવા એકાઉન્ટ બનાવી, પોતે માલિક હોવાનું દર્શાવી ટ્રેડમાર્ક અને કોપીરાઇટ મેળવવા ખોટા ડિજિટલ દસ્તાવેજો તૈયાર કરી ટ્રેડમાર્ક ઓફિસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાયો હોવાનો પણ આરોપ છે. આ સમગ્ર પ્રક્રિયાથી ચેનલની પ્રતિષ્ઠા અને આર્થિક નુકસાન થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ મામલે બી ડિવિઝન પોલીસ મથકએ છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ દ્વારા સોશિયલ મીડિયા લોગ્સ, ઇમેલ ટ્રેઈલ, બેંક ટ્રાન્ઝેક્શન અને ઇલેક્ટ્રોનિક પુરાવાની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે.
ચેતવણી: સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં મલ્ટી-એડમિન ઍક્સેસ આપતી વખતે કડક નિયંત્રણ રાખવું, નિયમિત રીતે સિક્યોરિટી સેટિંગ્સ ચેક કરવી અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ દેખાય તો તાત્કાલિક પોલીસ અને પ્લેટફોર્મને જાણ કરવી જરૂરી છે.
રિપોર્ટર : વિનોદ પંચાલ :