રજૂઆતો છતાં કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ, ઉચ્ચ અધિકારીઓના હસ્તક્ષેપની માંગ
પ્રતિનિધિ, ફતેપુરા :
ફતેપુરા ગ્રામ પંચાયતની બેદરકારીને કારણે ગામમાં પાણીનો વેડફાટ અને સ્વચ્છતાનો અભાવ લાંબા સમયથી જોવા મળી રહ્યો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. અનેક વખત તાલુકા કક્ષાના અધિકારીઓ અને મામલતદાર કચેરીમાં રજૂઆતો કરવા છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી થતી નથી, એવી ફરિયાદો સામે આવી છે.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ગામમાં પાણીની લાઈનોમાંથી લીકેજ થવાથી પાણી વેડફાઈ રહ્યું છે, જ્યારે રસ્તાઓ પર કચરો પડેલો રહે છે. ગ્રામ પંચાયત દ્વારા કચરો ઉઠાવવા માટે ટ્રેક્ટર ફેરવવામાં આવે છે, પરંતુ રોડ ઉપર પડેલો કચરો હાથથી ઉઠાવી વ્યવસ્થિત રીતે નિકાલ કરવા પૂરતી વ્યવસ્થા કરવામાં આવતી નથી. આ મુદ્દે ગ્રામસભામાં પણ રજૂઆતો કરવામાં આવી હતી, છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.
કેટલાક ગ્રામજનોએ વધુમાં જણાવ્યું હતું કે સરકારી દુકાનો અને અન્ય વિભાગોને લગતી ફરિયાદો પણ સમયસર સાંભળવામાં આવતી નથી. પરિણામે, ગામની સ્વચ્છતા અને વ્યવસ્થામાં સતત બેદરકારી જોવા મળી રહી છે. ગામમાં ગંદકી, કચરો અને પાણીના વેડફાટને કારણે આરોગ્યને લગતા પ્રશ્નો ઊભા થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
ગ્રામજનોનું કહેવું છે કે કેન્દ્ર અને રાજ્ય સ્તરે સ્વચ્છતા અભિયાન માટે મોટા પ્રમાણમાં નાણાં ફાળવવામાં આવે છે અને સ્વચ્છતા અંગે સતત જાગૃતિ આપવામાં આવે છે, છતાં સ્થાનિક સ્તરે તેની અસર દેખાતી નથી. આ સંદર્ભે તેઓએ ઉપરના અધિકારીઓ દ્વારા તપાસ કરી જરૂરી પગલાં લેવાય તેવી માંગ ઉઠાવી છે.
ગ્રામજનો દ્વારા જિલ્લા પ્રશાસનને અપીલ કરવામાં આવી છે કે ફતેપુરાની સમસ્યાઓને ગંભીરતાથી લઈ, પાણીના વેડફાટને અટકાવવા અને સ્વચ્છતાની યોગ્ય વ્યવસ્થા અમલમાં મુકવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે, જેથી ગામની સ્થિતિમાં સુધારો આવી શકે.