અમદાવાદ: રાજ્યમાં ત્રણ દાયકાથી વધુ સમયથી ભાજપની સરકાર છે, છતાં આજે પણ જિલ્લામાં કેટલાય એવા ગામો છે જ્યાં આજદિન સુધી રોડ કનેક્ટિવિટી નથી. વર્ષોથી વારંવાર રજૂઆતો કરવા છતાં ગામોને જોડતા રોડ-રસ્તાઓ અને પુલો બનાવવામાં આવ્યા નથી. ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી, ચોમાસામાં આ ગામોનો સંપર્ક તૂટી જાય છે, સગર્ભા બહેનોના મોત થાય છે, છતાં પણ સરકારના પેટનું પાણી હલતું નથી, તેવું પ્રદેશ કોગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું.
જન આક્રોશ યાત્રાના નવમાં દિવસની શરૂઆત કવાંટથી કરવામાં આવી, ત્યારબાદ યાત્રા માનાવાંટ, પાનવડ, સીંગળા, પાદરવાંટ, સીમળ ફળિયા, મલધી, તેજગઢ, છોટાઉદેપુર, કુંડળ, ભીખાપુરા, જેતપુર, સિંહોદ, જબુગામ માર્ગે બોડેલી તરફ આગળ વધી. યાત્રા દરમિયાન રસ્તામાં સ્થાનિક નાગરિકોએ ઠેરઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
અમિત ચાવડાએ જણાવ્યું હતુ કે ભાજપના રાજમાં મનરેગા અને નલ સે જલ યોજનામાં વ્યાપક કૌભાંડ થયું છે. છોટાઉદેપુર જિલ્લાના કટકાવાંટ, ચીમળી સહિતના અનેક ગામોમાં 10 વર્ષ અગાઉ નલ સે જલ યોજના હેઠળ નળ નાંખવામાં આવ્યા હતા, પરંતુ આજદિન સુધી નળોમાં પાણી પહોંચ્યું નથી. આથી સ્પષ્ટ થાય છે કે યોજનાના નામે કરોડો રૂપિયાની રકમ ખર્ચવામાં આવી હોવા છતાં ગ્રામજનોને પીવાનું પાણી મળતું નથી, જે ગંભીર ભ્રષ્ટાચાર અને વહીવટી નિષ્ફળતાનું જીવતું ઉદાહરણ છે.
વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું કે ભાજપના રાજમાં ખેડૂતોની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. સહકારી સંસ્થાઓમાં ભાજપના મળતિયાઓએ બેફામ લૂંટ મચાવી છે. છોટાઉદેપુર જિલ્લામાં APMC જેવી સંસ્થાઓનો ઉપયોગ ભાજપના લોકો માત્ર પોતાના સ્વાર્થ અને વેપાર માટે કરી રહ્યા છે. ગોડાઉનો વેપારીઓને નહીં પરંતુ પોતાના મળતિયાઓને જ ફાળવવામાં આવે છે. ઉપરાંત ખેડૂતોને ખાતર સમયસર મળતું નથી અને મોટાપાયે કાળાબજારી થઈ રહી છે. સાથે જ કપાસના યોગ્ય ભાવ નહીં મળતા ખેડૂત આર્થિક રીતે કંગાળ બની રહ્યા છે. સરકારની ખેડૂત વિરોધી નીતિઓના કારણે ખેડૂતો અનેક મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે.