મોંઘવારી, બેરોજગારી અને ખેતી સંબંધિત મુદ્દાઓને લઈ ભાજપ સરકાર પર પસ્તાળ પડી
પ્રતિનિધિ, બોડેલી :
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રાએ નવમા દિવસે છોટા ઉદેપુર જિલ્લામાં પ્રવેશ કર્યો હતો. ફાગવેલથી શરૂ થયેલી યાત્રા જબુગામ ખાતે પહોંચતા સ્થાનિક સ્તરે લોકો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. યાત્રાના આગમન સમયે ઢોલ-નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને જાહેરસભાનું આયોજન થયું હતું.

યાત્રા દરમિયાન મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોને ખાતર મળવાની મુશ્કેલી, કપાસના ભાવ સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ યાત્રાનો ઉદ્દેશ્ય વિવિધ સામાજિક અને આર્થિક પ્રશ્નો અંગે જનતાની વાત સાંભળવી અને તેને આગળ લાવવાનો છે. કાર્યક્રમ દરમિયાન સૂત્રોચ્ચાર સાથે જાહેરમાં મુદ્દાઓ રજૂ કરાયા હતા.
જબુગામ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી, પૂર્વ ધારાસભ્ય સુખરામ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ શશીકાંત રાઠવા, જિલ્લા માઇનોરિટી પ્રમુખ અમજદ ખાન પઠાણ, જિલ્લા કોંગ્રેસના અગ્રણી પ્રોફેસર અર્જુન રાઠવા, જિલ્લા મહિલા પ્રમુખ મોનાબેન સહિત વિવિધ સેલના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

યાત્રા દરમિયાન કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થાનિક પ્રશાસન અને પોલીસ દ્વારા જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હોવાનું સ્થાનિક તંત્રે હતું.
—
રિપોર્ટર: ઝહીર સૈયદ, બોડેલી