સ્કૂલની નિયત ફી એફઆરસીની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવી :
નોટિસ બોર્ડ પર ફીના ઓર્ડર લગાવવાની સૂચનાનું પાલન થતું ન હતું :
( પ્રતિનિધિ )વડોદરા,તા.29
રાજ્યમાં ખાનગી શાળાઓ દ્વારા એફઆરસીએ નક્કી કરેલી ફી છુપાવી વાલીઓ પાસેથી વધુ રકમ વસૂલવાની ફરિયાદો સતત સામે આવી રહી હતી. આ ગેરરીતિ પર અંકુશ મૂકવા માટે હવે ફી રેગ્યુલેટરી કમિટીએ મોટો અને પારદર્શક નિર્ણય લીધો છે.
સમગ્ર ગુજરાતની 5,780 ખાનગી સ્કૂલની નિયત ફી એફઆરસીની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. હવે કોઈ પણ ખાનગી સ્કૂલ ફીનો ઓર્ડર છુપાવી શકશે નહીં અને વાલી-વિદ્યાર્થીઓ ઘર બેઠાં જ પોતાની સ્કૂલની મંજૂર ફી જોઈ શકશે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સ્થિતિ વધુ કડક બની છે. હવે એફઆરસી દ્વારા નક્કી કરેલી ફી સિવાય કોઈ પણ પ્રકારની વધારાની રકમ વસૂલવી ગેરકાયદે ગણાશે. મહત્વની વાત એ છે કે નવા ઓર્ડરમાં એડમિશન કે ટર્મ ફી માટે અલગથી કોઈ છૂટ આપવામાં આવી નથી, એટલે નિયત ફી સિવાય એક પણ રૂપિયો વસૂલવાનો રસ્તો બંધ થયો છે. અગાઉ સ્કૂલોને નોટિસ બોર્ડ પર ફીનો ઓર્ડર લગાવવાની સૂચના હોવા છતાં ઘણી જગ્યાએ તેનું પાલન થતું નહોતું. પરિણામે વાલીઓ અજાણ રહેતા. હવે એફઆરસીની વેબસાઇટ પર ફી જાહેર થતાં વાલી-વિદ્યાર્થીઓ સરળતાથી માહિતી મેળવી શકશે. જો કોઈ સ્કૂલ નિયત ફી કરતાં વધુ રકમ વસૂલશે તો શિક્ષણ વિભાગમાં સીધી ફરિયાદ કરી શકાશે. જેના કારણે ગેરરીતિ કરનાર સંચાલકો સામે કાર્યવાહી સરળ બનશે.