


( પ્રતિનિધિ )વડોદરા,તા.29
વડોદરા શહેરના કારેલીબાગ કાસમઆલા કબ્રસ્તાન નજીક આવેલા વિશ્વામિત્રી નાળામાં પડેલા કચરામાં મોડીરાત્રીએ આગ ભુભૂકી હતી. જે નજીકમાં આવેલી સોસાયટીના બે મકાનોમાં તરફ પણ પ્રસરી હતી. બનાવની જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો.
વડોદરા શહેરના કારેલીબાગ સ્થિત કાસમઆલા કબ્રસ્તાન નજીક નાળામાં પડેલા કચરામાં લાગેલી
આગ આજુબાજુના મકાનો સુધી ફેલાઇ હતી. જેના કારણે તંત્રમાં દોડધામ મચી હતી. વડોદરા શહેરમાં લોકો જ્યાં ત્યાં નાળામાં કચરો ફેંકી તેના નિકાલ માટે તેને સળગાવતા હોય છે. જેના કારણે આગ વધુ ફેલાતી હોય છે. અગાઉ પણ ઘણી વખત વખત વિશ્વામિત્રી નદીના નાળા અને કોતરમાં આગ લાગવાની ઘટના બની છે. ત્યારે, ફરી એક વખત કારેલીબાગ સ્થિત કાસમઆલા કબ્રસ્તાન નજીક આવેલા નાળામાં પડેલા કચરામાં આગ લાગી હતી. જે નજીકમાં આવેલી અતુલ પાર્ક સોસાયટીના મકાનો સુધી પણ પહોંચી હતી. જેના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. દાંડિયા બજાર ફાયર સ્ટેશનના ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે વડોદરા ફાયર કંટ્રોલરૂમ તરફથી અમને કોલ મળ્યો હતો કે, કાસમવાલા કબ્રસ્તાન પાસે નાળામાં પડેલા કચરામાં આગ લાગી છે. ત્યાં બે મકાન હતા. જેની આજુબાજુ પણ આગ પકડાઈ ગઈ હતી. એટલે અમે સ્થળ પર આવી પહોંચ્યા હતા અને પાણીનો પારો ચલાવી આગ બુજાવી દીધી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.