ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS)એ નશીલા પદાર્થોના ગેરકાયદેસર ઉત્પાદન સામે એક મોટી સફળતા મેળવી છે. ગત તા. 28 ડિસેમ્બર 2025ના રોજ ગુજરાત ATS દ્વારા રાજસ્થાનમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ભિવાડી ખાતે આવેલી એક ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન મોટા પ્રમાણમાં પ્રતિબંધિત નશીલા પદાર્થો અને કેમિકલ સામગ્રી જપ્ત કરવામાં આવી છે.
આ દરોડા રાજસ્થાનના ખેરથલ-તિજારા જિલ્લામાં આવેલા ભિવાડી શહેરની ટપુકારા તહસીલના RIICO ઇન્ડસ્ટ્રીયલ એરિયા, કહરાની વિસ્તારમાં આવેલી APL ફાર્મા નામની એકમમાં પાડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઓપરેશન ગુજરાત ATS દ્વારા રાજસ્થાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), જયપુર તેમજ ભિવાડી ફેઝ-3 (UIT) સેક્ટર-3 પોલીસ સ્ટેશનના સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.
દરોડા દરમિયાન સ્થળ પરથી ત્રણ મુખ્ય આરોપીઓ સહિત કુલ છ લોકોને ઝડપી લેવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં અંશુલ અનિલકુમાર શાસ્ત્રી, અખિલેશ કુમાર પારસનાથ મૌર્ય અને કૃષ્ણ કુમાર શ્રી યાદવનો સમાવેશ થાય છે. ઉપરાંત ફેક્ટરીમાં કામ કરતા ત્રણ શ્રમિકોને પણ પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.



ATS અધિકારીઓના જણાવ્યા મુજબ ફેક્ટરીમાંથી અંદાજે 22 કિલોગ્રામ જેટલો ગેરકાયદેસર નશીલો પદાર્થ (Psychotropic Substance) જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે અલ્પ્રાઝોલમ જેવા પ્રતિબંધિત ડ્રગ્સ બનાવવામાં ઉપયોગમાં લેવાતા પ્રિકર્સર કેમિકલ તેમજ અર્ધ-તૈયાર (સેમી-પ્રોસેસ્ડ) કેમિકલનો મોટો જથ્થો પણ મળી આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આ ફેક્ટરી લાંબા સમયથી ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થોનું ઉત્પાદન કરતી હતી. જપ્ત કરાયેલા મુદ્દામાલને કબજે લઈને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ATS દ્વારા આ ડ્રગ્સ કોના સુધી પહોંચાડવામાં આવતા હતા અને તેની પાછળ કાર્યરત સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસને વિસ્તૃત કરવામાં આવી છે.