શિનોર:
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગામે કુકસ જવાના રોડ પર આવેલા તળાવના પાણીમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર ઉમટી પડ્યા હતા.
મળતી માહિતી મુજબ, મૃતક યુવક અંગે તેમના પિતા રોહિતભાઈ શનાભાઈ વાઘરી દ્વારા તારીખ 21/12/2025ના રોજ સાંજે 7 થી 8 વાગ્યાના સમયગાળા દરમિયાન શિનોર પોલીસ સ્ટેશન ખાતે ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ બાદથી પોલીસ દ્વારા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

તારીખ 27/12/2025ના રોજ સાધલી ગામે કુકસ જવાના રોડ પર આવેલા તળાવના પાણીમાંથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકનું નામ શનાભાઈ ભગાભાઈ વાઘરી (ઉંમર 41 વર્ષ) હોવાનું જાણવા મળ્યું છે. તેઓ મજૂરી કામ કરતા હતા અને હાલ શિનોરના રહેવાસી હતા.
મૃતદેહ મળવાની માહિતી મળતાં જ શિનોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને બહાર કાઢી પંચનામું સહિતની કાનૂની કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવાની તજવીજ કરી હતી.
હાલ શિનોર પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે કે યુવકનું મોત અકસ્માતે થયું છે કે અન્ય કોઈ કારણોસર, તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.