Vadodara

માંજલપુર મેનહોલ ટ્રેજેડી, બેદરકાર કોન્ટ્રાક્ટર કાળી યાદીમાં, પોલીસ તપાસ તેજ

વડોદરા: માંજલપુર વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે એક નિર્દોષ નાગરિકે જીવ ગુમાવ્યો હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પાણીની ટાંકીની સફાઈ બાદ મેનહોલ ખુલ્લું રાખવામાં આવતા થયેલી દુર્ઘટનાને પગલે પાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. જવાબદાર ઇજારદાર એજન્સી M/s. Eco Facilities Management Serviceને તાત્કાલિક અસરથી કાળી યાદીમાં મૂકવામાં આવી છે, તેમજ સંકળાયેલા એન્જિનિયરને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.
પાલિકા દ્વારા શહેરની અંદાજે 30 પાણીની ટાંકીઓ અને ભૂગર્ભ સંપની સફાઈ દર બે વર્ષે કરવામાં આવે છે. વર્ષ 2024–25 માટે સ્થાયી સમિતિના ઠરાવ ક્રમાંક 440 (તા.27-12-2024) મુજબ આ કામગીરી ઇજારદારને સોંપાઈ હતી. વર્ક ઓર્ડર 01-01-2025ના રોજ આપવામાં આવ્યો હતો અને 06-01-2025થી કામગીરી શરૂ થઈ હતી.
26-12-2025ના રોજ માંજલપુર ટાંકી ખાતે સવારનું પાણી વિતરણ પૂર્ણ થયા બાદ ભૂગર્ભ સંપની સફાઈ હાથ ધરાઈ. સાંજે આશરે 7:00 વાગ્યે કામ પૂર્ણ થયું હોવા છતાં ટાંકીની બહાર આવેલ મેનહોલનું ઢાંકણું યોગ્ય રીતે બંધ કરવામાં આવ્યું નહોતું. રાત્રે આશરે 8:45 વાગ્યે એક નાગરિક મેનહોલમાં પડી ગયાની ટેલિફોનિક જાણ પાલિકાને મળી. સ્થાનિકોની જાણ પર ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી અને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યા. “રોડ બંધ છે” તેવા બોર્ડ હોવા છતાં ખુલ્લું મેનહોલ રાખવું મોટી બેદરકારી સાબિત થઈ છે.

: પાલિકા દ્વારા લેવાયેલા કડક પગલાં
બ્લેકલિસ્ટ: બેદરકાર ઇજારદાર M/s. Eco Facilities Management Serviceને કાળી યાદીમાં મૂકવામાં આવ્યો.
પોલીસ કાર્યવાહી: માંજલપુર પોલીસ સ્ટેશનમાં ઇજારદાર વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ દાખલ.
વિભાગીય તપાસ: પાણી પુરવઠા વિભાગના એડિશનલ આસિસ્ટન્ટ ઇજનેરને શો-કોઝ નોટિસ.
અધિકૃત અધિકારી: સમગ્ર કાયદાકીય પ્રક્રિયા માટે નાયબ કાર્યપાલક ઇજનેર હરીકૃષ્ણ બી. મનાણીને અધિકૃત કરાયા.
સ્થાનિકોમાં આ ઘટના બાદ ભારે રોષ છે અને આવી બેદરકારી સામે કાયમી, દૃઢ પગલાંની માંગ ઉઠી છે.

Most Popular

To Top