Vadodara

શહેરમાં પારો 14.6 ડીગ્રી થયો,ઠંડીમાં આંશિક ઘટાડો

( પ્રતિનિધિ )વડોદરા,તા.27

વડોદરા શહેરમાં ઠંડીનો પારો એક ડિગ્રી વધીને 14.6 ડિગ્રીએ પહોંચ્યો હતો. વહેલી સવારે અને રાત્રિના સમયે તીવ્ર ઠંડીનો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં હજી પણ શહેરમાં હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ઉત્તર ભારતમાં હિમવર્ષાની શરૂઆત થઈ ચૂકી છે. જેને પગલે ઠંડીની અસર વર્તાઈ રહી છે. વહેલી સવારે અને રાત્રિના સમયે તીવ્ર ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વડોદરા શહેરમાં શુક્રવારે લઘુતમ તાપમાનનો પારો 13.6 ડિગ્રી નોંધાયો હતો. જે બીજા દિવસે એક ડિગ્રી વધીને શનિવારે લઘુતમ તાપમાનનો પારો 14.6 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે મહત્તમ તાપમાન 29.8 ડિગ્રી નોંધાયું હતું. સવારે ભેજનું પ્રમાણ 83 ટકા અને સાંજે 46 ટકા નોંધાયું હતું. આગામી સમયમાં પણ શહેરમાં હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થશે. નોંધનીય છે કે, રાજ્યભરના અનેક જિલ્લાઓમાં હવે જૂના વર્ષની વિદાય સાથે ઠંડીનું જોર વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસમાં ફરીથી ઠંડીમાં વધારો થશે. લઘુતમ તાપમાનમાં એક થી બે ડિગ્રીની વધઘટની શક્યતાઓ છે. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીનું જોર વધ્યું છે. વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે હજી પણ મોટા શહેરોમાં બેવડી ઋતુનો પણ અનુભવ થઈ રહ્યો છે.

Most Popular

To Top