ચાના બાકી રૂપિયાની માંગને લઈ થયો ઝગડો
ઇજાગ્રસ્તને ગોત્રી હોસ્પિટલમાં ખસેડાયો
વડોદરા, તા. 27
વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલી કિસ્મત ચોકડી પાસે ચા પીવા ઊભેલા યુવક પર એક અજાણ્યા શખ્સે ચાકુ વડે હુમલો કરતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ચાના બાકી રૂપિયાની માંગને લઈ શરૂ થયેલો ઝઘડો હિંસક સ્વરૂપ ધારણ કરતા યુવક લોહીલુહાણ થયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, તાંદલજા વિસ્તારમાં આવેલી રમજાન પાર્ક સોસાયટીમાં રહેતા જુનેદભાઈ ગબુભાઈ શેખ (ઉંમર 25) 25 ડિસેમ્બરના રોજ રાત્રિના આશરે સાડા નવ વાગ્યે કિસ્મત ચોકડી નજીક આવેલા ટી-સ્ટોલ પર ચા-નાસ્તો કરવા માટે આવ્યા હતા. તે દરમિયાન આસીફ ઝંડ નામનો શખ્સ ત્યાં આવી ચા-પાણીના પૈસા આપવા માટે દબાણ કરવા લાગ્યો હતો.
જુનેદભાઈએ શખ્સને તેઓ ઓળખતા ન હોવાની વાત કરી પૈસા આપવાનો ઇનકાર કરતાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. વાત વધતા આસીફ ઝંડે ગાળો આપવાનું શરૂ કર્યું હતું. ગાળો ન બોલવા જણાવતાં જ આસીફ ઉશ્કેરાઈ ગયો અને ચાકુ કાઢી જુનેદભાઈ પર હુમલો કર્યો હતો.
હુમલા બાદ આસપાસના લોકો એકત્ર થતાં વધુ મારથી યુવક બચી ગયો હતો. હુમલાખોર આસીફ ઝંડ જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ જુનેદભાઈને તાત્કાલિક સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.