લગ્નની ખુશી જરૂરિયાતમંદો સાથે વહેંચી, શિક્ષણથી લઈને રોજગાર સુધી સહાય



ઝાલોદ.
શહેરમાં વસંત મસાલા પરિવાર દ્વારા સમાજસેવાનું એક ઉત્તમ અને પ્રેરણાદાયી ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું છે. વર્ષોથી જરૂરિયાતમંદોની મદદમાં આગેવાન રહેલા વસંત મસાલા પરિવારએ આ વખતે પરિવારની ખુશીના પ્રસંગને સમાજની ખુશી સાથે જોડીને માનવતા અને સામાજિક પ્રતિબદ્ધતાનું સુંદર દ્રષ્ટાંત ઉભું કર્યું છે.
વ્યાપારિક સફળતા સાથે સામાજિક જવાબદારી
ઝાલોદ વસંત મસાલા પરિવારના માલિકશ્રીઓ ઓમપ્રકાશ ભંડારી, ચંદ્રકાંત ભંડારી, રાજકમલ ભંડારી અને આશીષ ભંડારી — આ ચાર ભાઈઓએ તેમના પિતા સ્વ. બાબુલાલ ભંડારીના આશીર્વાદથી દાહોદ જિલ્લો જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત, ભારત તેમજ વિદેશ સુધી વ્યાપાર ક્ષેત્રે વિશિષ્ટ ઓળખ બનાવી છે. વ્યાપારિક સફળતા સાથે સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાનું કાર્ય વસંત મસાલા પરિવાર વર્ષોથી સતત કરતો આવ્યો છે.
લગ્ન પ્રસંગને માનવસેવામાં ફેરવ્યો
ભંડારી પરિવારના માલિક રાજકમલ ભંડારીની પુત્રી અવનીના લગ્ન તા. 26 ફેબ્રુઆરીના રોજ નક્કી થતાં, પરિવાર દ્વારા આ આનંદના પ્રસંગને જરૂરિયાતમંદો સાથે વહેંચવાનો સેવાભાવપૂર્ણ સંકલ્પ લેવામાં આવ્યો. તેના અનુસંધાને તા. 27-12-2025 (શનિવાર)ના રોજ વસંત મસાલા ફેક્ટરી ખાતે વિવિધ સેવાકાર્યોનું આયોજન કરવામાં આવ્યું.
શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન
લાયન્સ ક્લબ સંચાલિત ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમની શાળાના આર્થિક રીતે નબળા એવા 15 વિદ્યાર્થીઓ, જેઓ શાળા ફી ભરવામાં અસમર્થ હતા, તેમનું ભણતર અટકી ન જાય તે હેતુસર વસંત મસાલા પરિવાર દ્વારા કુલ રૂ. 3,50,000/- જેટલી શાળા ફી ચૂકવવામાં આવી. આ સાથે વિદ્યાર્થીઓને સન્માનિત કરી તેમનો આત્મવિશ્વાસ પણ વધારવામાં આવ્યો.
જરૂરિયાતમંદો માટે વિવિધ સહાય
આ સેવાકાર્ય દરમિયાન વિવિધ પ્રકારની માનવસેવા હાથ ધરવામાં આવી
100 જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ
4 પરિવારોને ગૌમાતા અર્પણ
3 મહિલાઓને સિલાઈ મશીન વિતરણ
2 પરિવારોને રોજગાર હેતુસર વ્યાપાર કેબીન વિતરણ
આ સહાયોથી અનેક પરિવારોના જીવનમાં આશા અને આત્મનિર્ભરતાનો નવો પ્રકાશ પાથરાયો.
હર્ષોલ્લાસ અને આશીર્વાદ
કાર્યક્રમ દરમિયાન વસંત મસાલા પરિવારના સભ્યો, મિત્રો, લાયન્સ ક્લબના સભ્યો તથા સ્ટાફ હાજર રહ્યા હતા. સહાય પ્રાપ્ત કરનાર લાભાર્થીઓના ચહેરાઓ પર દેખાયેલી ખુશી સમગ્ર કાર્યક્રમની સફળતાનું જીવંત દ્રષ્ટાંત બની. લાભાર્થી પરિવારોે વસંત મસાલા પરિવારને દિલથી આશીર્વાદ આપતા જણાવ્યું કે,
“આપ હંમેશાં આવી માનવસેવા કરતા રહો અને સતત પ્રગતિ કરતા રહો.”
નિઃસંદેહ, વસંત મસાલા પરિવાર દ્વારા કરવામાં આવેલી આ અનોખી માનવસેવા સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.
દક્ષેશ ચૌહાણ | ગુજરાત મિત્ર ન્યૂઝ, ઝાલોદઝાલોદ