ઝાલોદ તાલુકાના મહુડી ગામે અચાનક પ્રસુતિ દરમિયાન ૧૦૮ ટીમની પ્રશંસનીય કામગીરી
ઝાલોદ તાલુકાના મહુડી ગામે તારીખ 27/12/2025ના રોજ રાત્રે 02:39 કલાકે 21 વર્ષીય મહિલાને અચાનક પ્રસુતિ પીડા શરૂ થતા તેના પતિએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાની મદદ માગી હતી. ઝાલોદ લોકેશનની 108 એમ્બ્યુલન્સે તરત જ પ્રતિસાદ આપતા પાયલોટ આર્જુનભાઈ કટારા અને EMT સોમજીભાઈ આમલિયાર સ્થળ પર પહોંચ્યા હતા.
પ્રસૂતા માતાને હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ પ્રસુતિ પીડા વધુ તીવ્ર બનતાં ઈમરજન્સી પરિસ્થિતિ સર્જાઈ હતી. આવી સંવેદનશીલ સ્થિતિમાં EMT સોમજીભાઈ આમલિયારે 108ના ફિઝિશિયન ડૉ. તુષાર સરના માર્ગદર્શન હેઠળ એમ્બ્યુલન્સમાં જ બાળક ઉંધું હોવા છતાં સુરક્ષિત નોર્મલ ડિલિવરી કરાવી હતી.
ડિલિવરી બાદ માતા અને નવજાત બાળકને તાત્કાલિક નજીકના સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, મહુડી ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બંને સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું.
સમયસૂચકતા, કુશળતા અને માનવતાભરી કામગીરીથી 108 ટીમે માતા અને બાળકના અમૂલ્ય જીવ બચાવી સાચા અર્થમાં દેવદૂત જેવી ફરજ નિભાવી છે. આ ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં 108 સેવા તથા કર્મચારીઓ પ્રત્યે પ્રશંસા અને આદરની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે.