Vadodara

સોમા તળાવ ચાર રસ્તા પર રોડ સેફટી ડીલીનેટરને નકામાં પુરવાર કરતા ખાનગી પેસેન્જર વાહનો

ખાનગી પેસેન્જર વાહનોનો અડિંગો, ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ
(પ્રતિનિધિ) વડોદરા, તા.27
વડોદરા મહાનગર કોર્પોરેશન દ્વારા શહેરના ચાર રસ્તાઓ પર ટ્રાફિક વ્યવસ્થા સુધારવાના હેતુથી લગાવવામાં આવેલા રોડ સેફટી ડીલીનેટર ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે સલામતીના નામે લગાવાયેલા આ ડીલીનેટર હવે અકસ્માત અને અવ્યવસ્થાનું કારણ બની રહ્યા છે.

શહેરના અનેક ચાર રસ્તાઓ પર જાણે કોઈ યોગ્ય આયોજન વગર ડીલીનેટર લગાવવામાં આવ્યા હોય તેવો દ્રશ્ય સર્જાયો છે. ખાસ કરીને સોમા તળાવ ચાર રસ્તા પર સ્થિતિ વધુ ગંભીર બની છે. અહીં વાહનચાલકોને સ્પષ્ટ સમજ પડતી નથી કે કયા માર્ગેથી પસાર થવું, પરિણામે ટ્રાફિકમાં ગૂંચવણ સર્જાઈ રહી છે.
બીજી તરફ વડોદરા તરફથી ડભોઇ, બોડેલી અને છોટાઉદેપુર તરફ જતા ખાનગી પેસેન્જર વાહનો સોમા તળાવ ચાર રસ્તા પર અડિંગો જમાવીને ઊભા રહે છે. રોડ સેફટી ડીલીનેટર લગાવવામાં આવ્યા હોય તે જ જગ્યાએ આધેધડ વાહનો પાર્ક કરી દેવામાં આવતા રસ્તો સંપૂર્ણપણે અવરોધાઈ જાય છે. જેના કારણે અન્ય વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.


સ્થાનિકોનો આક્ષેપ છે કે નાના દબાણો સામે તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે છે, પરંતુ આવા મોટા અને ખુલ્લેઆમ થતા દબાણો સામે કોર્પોરેશન અને પોલીસ મૌન કેમ છે તે સવાલ ઊભો થયો છે. એટલું જ નહીં, ખાનગી પેસેન્જર વાહનો પાસેથી પોલીસ દ્વારા હપ્તાખોરી થતી હોવાની ચર્ચાઓ પણ વિસ્તારમા ચાલી રહી છે.

લોકોની સ્પષ્ટ માંગ છે કે સોમા તળાવ ચાર રસ્તા પર યોગ્ય અને સ્પષ્ટ ટ્રાફિક આયોજન કરવામાં આવે, ગેરકાયદેસર પાર્કિંગ તાત્કાલિક દૂર કરવામાં આવે અને રોડ સેફટીના નામે થતી બેદરકારી સામે કડક કાર્યવાહી થાય. સમયસર પગલાં નહીં લેવાય તો અહીં કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સ્થાનિકોએ વ્યક્ત કરી છે.

Most Popular

To Top