વડોદરા ::શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલા સરસ્વતી નગરમાં છેલ્લા 15 દિવસથી ડ્રેનેજ લાઈનની કામગીરીના નામે કરાયેલા ખોદકામે સ્થાનિક રહીશોને ભારે હાલાકીમાં મુકી દીધા છે. ગંદકી, કીચડ અને ખુલ્લા ખાડાઓના કારણે વિસ્તારમાં રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. માંજલપુરમાં ખુલ્લી ગટર ચેમ્બરમાં પડી જવાથી એક વ્યક્તિના મોતની ઘટનાના પડઘા વચ્ચે, સફાળા જાગેલા તંત્રે સરસ્વતી નગરમાં અધૂરી કામગીરી હોવા છતાં રાતોરાત ખાડા પૂરી દેતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ડ્રેનેજ લાઈન નાખવા માટે બે-ત્રણ અઠવાડિયાથી રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા હતા. કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે કામ અત્યંત ધીમી ગતિએ ચાલતું રહ્યું, પરિણામે કીચડ અને ગંદકીથી અવરજવર દુષ્કર બની. એક મહિલા રહીશે ભાવુક અવાજે જણાવ્યું કે પગના ઓપરેશન બાદ બહાર નીકળવું અશક્ય બન્યું છે, જ્યારે સગર્ભા મહિલાઓ અને બાળકો માટે સ્થિતિ વધુ જોખમી બની છે.

માંજલપુરની કરૂણ ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું, પરંતુ સરસ્વતી નગરમાં જોડાણો અધૂરા હોવા છતાં માત્ર દેખાવ માટે ખાડા પૂરવાની કાર્યવાહી કરાઈ હોવાના આક્ષેપો થયા. સ્થાનિકોનું કહેવું છે કે અધૂરી કામગીરીથી ભવિષ્યમાં ફરી ગટર જામ અને રસ્તા બેસી જવાની સમસ્યા ઊભી થશે.

સ્થાનિકોના રોષને પગલે કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા અને હરીશભાઈ સ્થળ પર પહોંચ્યા. તેમણે સ્વીકાર્યું કે ઉત્તર ઝોનમાં સુપર સકર મશીનના અભાવે છેલ્લા 10 દિવસથી લાઈન ક્લિયર ન થઈ શકી. કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ જણાવ્યું કે, “આ મારો હોમપીચ વિસ્તાર છે. આજે રાત સુધીમાં મશીન લાવીને બાકી જોડાણનું કામ પૂર્ણ કરાશે.”
હાલ તાત્કાલિક ધોરણે ખાડા પૂરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે, પરંતુ સ્થાનિકોની માંગ છે કે પૂરતી સુરક્ષા સાથે પૂર્ણ અને કાયમી કામગીરી થાય—નહીં તો આ બેદરકારી ફરી કોઈ મોટી દુર્ઘટનાનું કારણ બની શકે.