World

ટ્રમ્પ–ઝેલેન્સ્કીની બેઠક પહેલા રશિયાનો કિવ પર મિસાઇલ અને ડ્રોનથી ભારે હુમલો

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ગઈ કાલે મધ્યરાત્રિએ રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર મોટો મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી વચ્ચે શાંતિ વાટાઘાટો માટે મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. આ ઘટનાએ રાજદ્વારી પ્રયાસો વચ્ચે તણાવ વધારી દીધો છે.

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર કિવ અને તેની આસપાસના વિસ્તારોમાં ગઈ કાલે રાત્રે અનેક જોરદાર વિસ્ફોટો સંભળાયા હતા. ‘કિવ ઇન્ડિપેન્ડન્ટ’ના અહેવાલ મુજબ રશિયાએ બેલિસ્ટિક મિસાઇલો સાથે ડ્રોન હુમલો કર્યો હતો. હુમલામાં કિન્ઝાલ હાઇપરસોનિક મિસાઇલો, ઇસ્કંદર બેલિસ્ટિક મિસાઇલો અને કાલિબ્ર ક્રુઝ મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ હુમલાના કારણે કિવથી લગભગ 20 કિલોમીટર દૂર આવેલા બ્રોવરી શહેરમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. જેના કારણે શહેર અને આસપાસના વિસ્તારોમાં અંધારું છવાઈ ગયું હતું. અનેક વિસ્તારોમાં ઇમરજન્સી સેવાઓને એલર્ટ પર રાખવામાં આવી હતી.

યુક્રેનિયન વાયુસેનાએ પણ ચેતવણી જાહેર કરી હતી કે કિવ અને આસપાસના વિસ્તારોમાં રશિયન ડ્રોનની હલચલ નોંધાઈ છે. વાયુસેનાના જણાવ્યા અનુસાર કેટલાક ડ્રોન દક્ષિણ તરફ આગળ વધી રહ્યા હતા. જેનાથી સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ હતી.

આ હુમલો ત્યારે થયો છે જ્યારે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થનારી બેઠકની પુષ્ટિ કરી છે. આ બેઠક ફ્લોરિડામાં યોજાવાની છે. જેમાં યુદ્ધ સમાપ્ત કરવા માટેની સંભવિત શાંતિ યોજના પર ચર્ચા થવાની છે. ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે 20 મુદ્દાની શાંતિ યોજના લગભગ પૂર્ણ થવા આવી છે પરંતુ અંતિમ કરાર માટે હજુ સમય લાગી શકે છે.

આ તરફ રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે તેના સૈનિકો દક્ષિણ યુક્રેનમાં આગળ વધી રહ્યા છે. રશિયાનો દાવો છે કે આ હુમલા યુક્રેન દ્વારા કરવામાં આવેલા કથિત હુમલાઓના જવાબરૂપે કરવામાં આવ્યા છે. હાલ સ્થિતિ અત્યંત સંવેદનશીલ બની ગઈ છે અને સમગ્ર વિશ્વની નજર આ શાંતિ બેઠક પર ટકી છે.

Most Popular

To Top