ચાલક-ક્લિનરનો આબાદ બચાવ, મોટી જાનહાની ટળી
અચાનક બ્રેકના કારણે ટ્રકનું સંતુલન બગડ્યું
રોડ પર લોખંડી કોયલ વિખેરાઈ, ટ્રાફિકમાં ખલેલ
(પ્રતિનિધિ) વડોદરા, તા.27
વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર શનિવારની સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ધનીયાવી નજીક બળીયાદેવ મંદિર પાસે એક કારને બચાવવા જતા લોખંડી કોયલ ભરેલો મોટો ટ્રક અચાનક બ્રેક મારતા પલટી ખાઈ ગયો હતો. જોકે અકસ્માતમાં ટ્રકના ચાલક અને ક્લિનરનો ચમત્કારિક રીતે આબાદ બચાવ થયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, ટ્રક હજીરાથી તેના ગંતવ્ય તરફ જઈ રહ્યો હતો. દરમિયાન હાઈવે પર અચાનક સામે આવી ગયેલી કારને બચાવવા માટે ટ્રક ચાલકે તાત્કાલિક બ્રેક મારતા ભારે ટ્રકનું સંતુલન બગડ્યું અને તે રોડ પર પલટી ખાઈ ગયો હતો. અકસ્માત થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મદદરૂપ બન્યા હતા.

ટ્રક પલટી ખાતા તેમાં ભરેલી લોખંડી કોયલ રોડ પર વિખેરાઈ ગઈ હતી, જેના કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકમાં ભારે અડચણ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં ક્રેનની મદદથી ટ્રકને સીધી કરવામાં આવી હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ ટ્રકને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર અને આસપાસના હાઈવે પર અકસ્માતોની વધતી ઘટનાઓ માર્ગ સલામતી અંગે ચિંતા જગાવી રહી છે.