World

બાંગ્લાદેશમાં ગાયક જેમ્સના કોન્સર્ટ પર ટોળાનો હુમલો, 20 લોકો ઘાયલ

બાંગ્લાદેશમાં ફરી એકવાર અશાંતિની ઘટના સામે આવી છે. ફરીદપુર શહેરમાં લોકપ્રિય ગાયક જેમ્સના કોન્સર્ટ દરમિયાન એક અજાણ્યા ટોળાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 20 લોકો ઘાયલ થયા છે. ટોળાએ કોન્સર્ટ સ્થળ પર હાજરો લોકો પર ઈંટો અને પથ્થરો ફેંક્યા હતા. જેના કારણે કાર્યક્રમમાં અફરાતફરી મચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ ગઈ કાલે શુક્રવારે રાત્રે લગભગ 9 વાગ્યે જેમ્સનો કોન્સર્ટ યોજાવાનો હતો. કાર્યક્રમ શરૂ થવાનો જ હતો ત્યારે અચાનક એક ટોળું સ્થળ પર ઘૂસી આવ્યું અને પથ્થરમારો શરૂ કર્યો. દર્શકો અને આયોજકોએ પરિસ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો પરંતુ સ્થિતિ બેકાબૂ બનતાં આખરે કોન્સર્ટ રદ કરવાની ફરજ પડી.

ગાયક જેમ્સ બાંગ્લાદેશના જાણીતા ગાયક અને ગીતકાર છે. તેઓ ગિટાર વગાડવામાં પણ નિષ્ણાત છે અને હિન્દી ફિલ્મોમાં પણ ગીતો ગાઈ ચૂક્યા છે. તેમની લોકપ્રિયતા બાંગ્લાદેશમાં વિશાળ છે. જેના કારણે આ હુમલાએ સાંસ્કૃતિક જગતમાં ચિંતા ઉભી કરી છે.આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા.

રાજકીય સ્થિતિની વાત કરીએ તો પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને સત્તા પરથી દૂર કર્યા બાદ દેશમાં ટોળા હિંસાની ઘટનાઓમાં વધારો થયો છે. વચગાળાની યુનુસ સરકાર પર હિંસા રોકવામાં નિષ્ફળ રહેવાના આક્ષેપો થઈ રહ્યા છે.

આવનારી સંસદીય ચૂંટણીઓ પહેલાં બાંગ્લાદેશમાં અસ્થિરતા વધુ વધતી જાય છે॰ જે દેશની સુરક્ષા અને સાંસ્કૃતિક સ્વતંત્રતા માટે મોટો પડકાર બની રહી છે.

Most Popular

To Top