Vadodara

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી સ્કોલરશીપ ટેસ્ટનું પરિણામ જાહેર

( પ્રતિનિધિ )વડોદરા,તા.26

ગુજરાત પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે લેવાયેલી સ્કોલરશીપ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં કુલ બે લાખથી વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકી જાહેર કરાયેલા પરિણામમાં 97,466 વિદ્યાર્થીઓ સ્કોલરશીપ માટે લાયક બન્યા હતા.

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ માટે કુલ 1,42,775 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે નોંધણી કરાવી હતી. જે પૈકી 1,34,053 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જાહેર કરાયેલા પરિણામમાં પ્રાથમિક માટે 54,607 વિદ્યાર્થીઓ લાયક બન્યા છે. આજ રીતે માધ્યમિક માટે 75,423 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 66,149 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં 42,859 વિદ્યાર્થીઓ લાયક બન્યા છે. ગત તા. 29 મી નવેમ્બરના રોજ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના 754 કેન્દ્રો પરથી આ પરીક્ષા લેવામાં આવી હતી. કુલ 120 માર્કસની પરીક્ષામાં પ્રાથમિક વિભાગમાં 20 વિદ્યાર્થીઓએ 90 કરતા વધારે માર્ક મેળવ્યા છે. આજ રીતે માધ્યમિક વિભાગમાં કુલ 875 વિદ્યાર્થીઓએ 90 કરતા વધારે માર્ક્સ મેળવ્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી આ પરીક્ષામાં 120 માર્ક્સની પરીક્ષા માંથી 114 માર્કસ માત્ર એક વિદ્યાર્થીના આવ્યા છે. આ પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવાની સાથે તાલુકા કક્ષાએ નક્કી કરેલા ક્વોટા પ્રમાણે સ્કોલરશીપ ચૂકવવામાં આવતી હોય છે. પ્રાથમિક વિભાગમાં 1 હજાર અને માધ્યમિકમાં 2900 વિદ્યાર્થીઓને 1 હજાર પ્રમાણે સ્કોલરશીપ ચૂકવવામાં આવતી હોય છે.

Most Popular

To Top