Vadodara

મકરપુરામાં ‘મોતના કુવા’ ખુલ્લા: શું પાલિકા તંત્ર વધુ એક નિર્દોષના બલિદાનની રાહ જોઈ રહ્યું છે?

સ્કૂલ પાસે જ ખુલ્લી ગટરોથી માસૂમ બાળકોના જીવ જોખમમાં; વારંવારની રજૂઆત છતાં તંત્ર ઘોર નિદ્રામાં, નથી બેરીકેડિંગ કે નથી સાઈન બોર્ડ

વડોદરા: સ્માર્ટ સિટી વડોદરામાં વિકાસની વાતો વચ્ચે જનતાની સુરક્ષા રામ ભરોસે હોય તેમ લાગી રહ્યું છે. શહેરના વોર્ડ નંબર 19 માં આવતા મકરપુરા વિસ્તારના મુખ્ય માર્ગો પર હાલ ‘મોતના કુવા’ જેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, મુખ્ય રસ્તા પર ગટરના ઢાંકણા ગાયબ છે અથવા તૂટેલી હાલતમાં છે, જે ગમે ત્યારે મોટી દુર્ઘટનાને નિમંત્રણ આપી રહ્યા છે.

સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે, આ ખુલ્લી ગટરથી માત્ર 10 ફૂટના અંતરે જ ‘સેન્ડ બેસિસ સ્કૂલ’ આવેલી છે. દરરોજ સેંકડો બાળકો રિક્ષા, વાન કે વાલીઓ સાથે ટૂ-વ્હીલર પર અહીંથી પસાર થાય છે. શાળા છૂટતી વખતે કે રિસેસ દરમિયાન બાળકોની અવરજવર વધુ હોય છે. જો કોઈ માસૂમ બાળક આ 10 ફૂટ ઊંડી ગટરમાં ખાબકશે, તો તેનો જવાબદાર કોણ? તેવો વેધક પ્રશ્ન વાલીઓ પૂછી રહ્યા છે.

સ્થાનિક રહીશોએ અનેકવાર પાલિકા તંત્રમાં લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, પરંતુ તંત્રના બહેરા કાને અથડાઈને આ રજૂઆતો પાછી ફરે છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આટલી જોખમી જગ્યા હોવા છતાં તંત્રએ ત્યાં કોઈ આડશ મૂકવાની કે ચેતવણી આપતું સાઈન બોર્ડ લગાવવાની તસ્દી પણ લીધી નથી.
હજુ શુક્રવારે રાત્રે જ માંજલપુર પાણીની ટાંકી પાસે ખુલ્લી ગટરના કારણે એક નિર્દોષ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આટલી મોટી જાનહાનિ થયા છતાં મકરપુરા વિસ્તારમાં તંત્ર હજુ પણ નિદ્રાધીન અવસ્થામાં છે. ટેક્સ ભરતી જનતા સવાલ કરી રહી છે કે, સરકાર વિકાસના નામે કરોડો રૂપિયા ફાળવે છે, પણ શું આ વિકાસ માત્ર કાગળ પર જ છે? રસ્તા પર ફરતા રાહદારીઓ અને વાહનચાલકો માટે આ ‘વિકાસ’ હવે ‘વિનાશ’ સમાન ભાસી રહ્યો છે.

સળગતો સવાલ: શુ તંત્ર કોઈ માસૂમના લોહીની રાહ જોઈ રહ્યું છે?
​શહેરના વોર્ડ નં. 19 માં તંત્રની અંધેર નગરી જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. કરોડોના ખર્ચે બનતા રોડ-રસ્તા પર ગટરના ઢાંકણા જેવી પ્રાથમિક સુવિધા આપવામાં પણ પાલિકા નિષ્ફળ રહી છે. માંજલપુરમાં એક પરિવારનો માળો વિખેરાઈ ગયો, છતાં મકરપુરામાં વહીવટી તંત્ર જાગતું નથી. શું તંત્ર કોઈ મોટી હોનારત થાય પછી જ એક્શન લેશે? કે પછી જનતાના જીવની કિંમત પાલિકા માટે શૂન્ય છે?

Most Popular

To Top