ડ્રેનેજ વિભાગની બેદરકારી બની કારણ, સ્થાનિકોમાં રોષ
વડોદરા |
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં પાણીની ટાંકી પાસે ખુલ્લા ડ્રેનેજ મેનહોલમાં પડી જતાં એક રાહદારી વ્યક્તિનું મોત થતાં ચકચાર મચી ગઈ છે. મૃતક વિપુલસિંહ ઝાલા નિવૃત્ત ડીવાયએસપી સ્વ. મોહનસિંહ ઝાલાના પુત્ર હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર રાત્રિના સમયે એક વ્યક્તિ રસ્તેથી પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન ખુલ્લું રહેલું ડ્રેનેજ મેનહોલ નજરે ન પડતાં તેમાં પડી ગયો હતો.
ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ કામગીરી હાથ હતી. ફાયર બ્રિગેડ દ્વારા વ્યક્તિને બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલના તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકનું નામ વિપુલસિંહ ઝાલા હોવાનું જાણવા મળ્યું છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ ઘટના સ્થળે ડ્રેનેજ વિભાગની કામગીરી ચાલી રહી હતી, પરંતુ યોગ્ય બેરિકેડિંગ કે ચેતવણી સૂચક વ્યવસ્થા ન હોવાથી આ દુર્ઘટના સર્જાઈ છે. ખુલ્લા મેનહોલને કારણે અગાઉ પણ જોખમ સર્જાતું હોવાની ફરિયાદો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં ન આવતાં આજે એક નિર્દોષ વ્યક્તિનો જીવ ગયો હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે.
આ બનાવ બાદ વિસ્તારમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે અને જવાબદાર વિભાગ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.