ગાંધીનગર : ગુજરાતના રતનમહાલ વન્યજીવ અભ્યારણમાં વાઘની હાજરી નોંધાયા બાદ નેશનલ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) રાજ્યમાં અભ્યાસ કરીને પોતાના પ્રારંભીક રિપોર્ટમાં ગુજરાતમાં વાઘની હાજરીની પુષ્ટિ કરી છે અને દેશમાં વાઘની વસ્તીમાં ગુજરાતમાં ઉપસ્થિત વાઘનો સમાવેશ કર્યો છે.
આજે ગાંધીનગરમાં વન અને પર્યાવરણ વિભાગના મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આ અંગે હજી સુધી નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) તરફથી ગુજરાત સરકારના વન વિભાગને કોઈ સત્તાવાર પત્ર મળ્યો નથી, પરંતુ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) એ ગુજરાતમાં અભ્યાસ બાદ તૈયાર કરવામાં આવેલ પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં રતનમહાલ વન્યજીવ અભ્યારણમાં વાઘની હાજરીની પુષ્ટિ કરી છે અને દેશમાં વાઘની વસ્તી ગણતરીમાં ગુજરાતનો સમાવેશ કર્યો છે.
મોઢવાડિયાએ કહ્યું હતું કે, 1992 માં વાઘની વસ્તી ગણતરીમાંથી ગુજરાતની બાદબાકી કરવામાં આવી હતી અને રાજ્યએ ‘ટાઈગર સ્ટેટ’ નો દરજ્જો ગુમાવ્યો હતો. ત્યાર બાદ વર્ષ 2019 વાઘ જોવા મળતા આશાની કિરણ જાગી હતી, પરંતુ તે દુર્ભાગ્યથી તે વાગ માત્ર 15 દિવસ સુધી જ જીવીત રહી શક્યો હતો. પરંતુ આપણા માટે એ આનંદની વાત છે કે ફરી એકવાર ગુજરાતને વાઘે પોતાનું નવુ ઘર બનાવ્યુ છે. અત્યારે જે વાઘ ગુજરાતમાં વસવાટ કરી રહ્યો છે તે, સૌ પ્રથમ તા. 22/02/2025 ના રોજ વન વિભાગના કેમેરા ટ્રેપમાં કેદ થયો હતો. તા.23/02/2025 ની સવારે પીપલગોટા રાઉન્ડ, કંજેટા રેન્જના સ્ટાફ દ્વારા વન્યજીવોની હિલચાલના નિયમિત પેટ્રોલિંગ દરમિયાન મોટા કદના પગના નિશાન (પગ માર્ક્સ) જોવા મળ્યા હતા. આ પગના નિશાન સામાન્ય દીપડા કરતાં મોટા હોવાથી, આ વિસ્તારમાં લગાવેલા કેમેરા ટ્રેપના ચિત્રોનું વિશ્લેષણ કરવામાં આવ્યું અને તા. 22/02/2025 ના રોજ રાત્રિના આશરે 2:40 વાગ્યે વાઘની તસવીર કેદ થયેલી જોવા મળેલ હતી.
ગુજરાતમાં વાઘની હાજરી અંગે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) ને જાણ કરાઈ હતી. જેના આધારે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) ની ટીમે ગુજરાતમાં અભ્યાસ કરીને પોતાના પ્રારંભીક રીપોર્ટમાં રતનમહાલ વન્યજીવ અભ્યારણમાં વાઘની હાજરીની પુષ્ટિ કરી છે અને દેશમાં વાઘની વસ્તી ગણતરીમાં ગુજરાતનો સમાવેશ કર્યો છે, સાથે જ ગુજરાતમાં વાઘના વસવાટ કરવા ઈકો સિસ્ટમ હોવાની પણ પુષ્ટિ કરી છે અને આ ઈકો સિસ્ટમને મજબુત કરવા માટેના પગલા પણ સુચવ્યા છે.