વડોદરા, તા. ૨૬ ડિસેમ્બર, ૨૦૨૫
ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા સ્થાપિત આર્ટ ઓફ લિવિંગ સંસ્થા સમાજના સર્વાંગી વિકાસ માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સતત કાર્યરત છે. સંસ્થા દ્વારા દરેક તહેવારને લોકસેવા અને માનવતાની ભાવનાથી ઉજવવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે.
શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખી ૨૫ ડિસેમ્બરના રોજ ક્રિસમસ પર્વ નિમિત્તે આર્ટ ઓફ લિવિંગ વડોદરા ચેપ્ટરના શિક્ષકો તથા સ્વયંસેવકો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ધાબળા વિતરણની સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. છેલ્લા અગિયાર વર્ષથી અવિરત ચાલી રહેલી આ સેવાપ્રવૃત્તિનું આ બારમું વર્ષ છે.


આ સેવાકાર્યમાં ૧૦૦થી વધુ સ્વયંસેવકો જોડાયા હતા. તેમણે છાણી, ગોત્રી, રેલવે સ્ટેશન વિસ્તાર, માંજલપુર તથા સરદાર એસ્ટેટ સહિતના વિસ્તારોમાં બ્રિજ નીચે, ફૂટપાથ પર રહેતા લોકો, રોજમજૂરી કરતા શ્રમિકો તેમજ ઝુપ્પડપટ્ટીમાં વસતા પરિવારો સહિત ૫૦૦થી વધુ જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું વિતરણ કર્યું હતું. આ સમગ્ર શિયાળાની ઋતુ દરમિયાન આર્ટ ઓફ લિવિંગ વડોદરા ચેપ્ટર દ્વારા આશરે કુલ ૧૦૦૦ ધાબળાનું વિતરણ કરવામાં આવશે.
આજના સમયમાં જ્યાં તહેવારો ઘણીવાર માત્ર ઉજવણી પૂરતા સીમિત રહી જાય છે, ત્યાં આર્ટ ઓફ લિવિંગના સ્વયંસેવકો તહેવારને સેવા, કરુણા અને માનવતાની ભાવનાથી ઉજવી સમાજને સાચો માનવતાનો સંદેશ આપે છે.