National

કેરળના રાજકીય ઈતિહાસમાં નવો અધ્યાય, તિરુવનંતપુરમને પ્રથમ વખત BJPનો મેયર મળ્યો

કેરળના રાજકારણમાં આજે 26 ડિસેમ્બર શુક્રવારે એક ઐતિહાસિક બદલાવ જોવા મળ્યો છે. રાજ્યની રાજધાની તિરુવનંતપુરમમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા મેયર બન્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા વી.વી. રાજેશને તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ જીતને કેરળના રાજકીય ઈતિહાસમાં મહત્વપૂર્ણ ઘટના તરીકે જોવામાં આવી રહી છે.

આજે શુક્રવારે યોજાયેલી મેયરની ચૂંટણીમાં 100 સભ્યોની હાજરીવાળા ગૃહમાં વી.વી. રાજેશને કુલ 51 મત મળ્યા હતા. બહુમતી માટે જરૂરી 51 મત મેળવતા જ ભાજપે મેયર પદ પર કબજો મેળવી લીધો હતો. આ જીતમાં એક અપક્ષ કાઉન્સિલરનું સમર્થન પણ ભાજપને મળ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મતોની ગણતરી પ્રમાણે ભાજપના ઉમેદવાર વી.વી. રાજેશને 51 મત મળ્યા. જ્યારે ડાબેરી CPMના ઉમેદવાર આર.પી. શિવાજીને 29 મત મળ્યા હતા. કોંગ્રેસ સમર્થિત UDFના ઉમેદવાર કે.એસ. સબરિનાથનને 19 મત મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 45 વર્ષથી તિરુવનંતપુરમ નગર નિગમ પર ડાબેરી પક્ષોનું શાસન હતું. ભાજપે આ લાંબા સમયની પરંપરાને તોડીને શહેરની સત્તા મેળવી છે. ભાજપના નેતાઓએ જણાવ્યું કે અગાઉના શાસનમાં શહેરમાં ભ્રષ્ટાચાર અને પાયાની સુવિધાઓની અછત જેવી સમસ્યાઓ હતી.

મેયર તરીકે ચૂંટાયા બાદ વી.વી. રાજેશે કહ્યું કે તેઓ તમામ વોર્ડમાં સમાન વિકાસ કરશે અને તમામ પક્ષોને સાથે લઈને શહેરના હિતમાં કામ કરશે. તેમનો ઉદ્દેશ તિરુવનંતપુરમને સ્વચ્છ, આધુનિક અને વિકસિત શહેર બનાવવાનો છે.

આ જીતને આવનારી કેરળ વિધાનસભા ચૂંટણી માટે પણ મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવી રહી છે. ભાજપ માટે આ જીત કાર્યકરોમાં નવી ઉર્જા લાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top