Vadodara

વડોદરાવાસીઓ માટે નવું વર્ષ ‘વસમું’ બનશે: પાલિકાએ 3 કરોડ ન ચૂકવતા સિટી બસના પૈડાં થંભી જશે

25 દિવસથી બિલની ફાઈલ કમિશનરની મંજૂરીની રાહમાં: 500 કર્મચારીઓના પગાર અટકતા સંચાલકોએ આખરે બસ સેવા બંધ કરવાની ચીમકી આપી

વડોદરા : નવા વર્ષની શરૂઆતમાં વડોદરાવાસીઓ માટે મુશ્કેલીના સંકેત દેખાઈ રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરી બસ સેવા પૂરી પાડતી એજન્સીને 3 કરોડથી વધુની બાકી રકમ ચૂકવવામાં ન આવતા, સંચાલકોએ આગામી 1લી જાન્યુઆરીથી સિટી બસ સેવા સંપૂર્ણપણે બંધ કરવાની ચીમકી આપી છે.
વડોદરામાં વર્ષ 2017થી વિનાયક સિટી બસ સર્વિસ કાર્યરત છે. અત્યાર સુધી આ બસ સેવા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ ચાલતી હતી. પરંતુ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પૂર્ણ થતા હવે બિલની પ્રક્રિયા સીધી કોર્પોરેશન હસ્તક આવી છે. સિટી બસ સેવાના મેનેજર નરેન્દ્રસિંહ રાણાના જણાવ્યા અનુસાર, પાલિકાએ છેલ્લા બે મહિનાથી બિલની ચૂકવણી કરી નથી. નવેમ્બર મહિનાનું બિલ છેલ્લા ૨૫ દિવસથી મંજૂરી માટે કમિશનર પાસે પડતર છે.
સંચાલકોએ આક્ષેપ કર્યો છે કે બિલ ન મળવાને કારણે ડ્રાઈવર, કંડક્ટર અને અન્ય સ્ટાફ સહિત લગભગ 500 જેટલા કર્મચારીઓના પગાર કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત ઈંધણ અને બસોની જાળવણી માટે પણ નાણાની ભારે તંગી સર્જાઈ છે. જો 31 ડિસેમ્બર સુધીમાં બાકી રકમ અંગે કોઈ ખાતરી કે ચૂકવણી નહીં મળે, તો પહેલી જાન્યુઆરીથી શહેરના રસ્તાઓ પર બસો દોડતી બંધ થઈ જશે.
નોંધનીય છે કે આ સિટી બસ સેવા વિદ્યાર્થીઓને 50%, સીનિયર સિટીઝન અને દિવ્યાંગોને 80% સુધીનું કન્સેશન આપે છે. સંચાલકોએ પાલિકાને લીગલ નોટિસ પાઠવીને સ્પષ્ટ કર્યું છે કે જો યોગ્ય ઉકેલ નહીં આવે તો તેઓ નાછૂટકે આ સેવા બંધ કરશે, જેના માટે સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.

મુસાફરો પર કેવી અસર પડશે?
વડોદરામાં દરરોજ અંદાજે 80000 જેટલા મુસાફરો સિટી બસનો ઉપયોગ કરે છે. સવારે 5:40 થી રાત્રે 10:30 સુધી ચાલતી આ સેવા બંધ થવાથી:
*શાળા-કોલેજ જતા હજારો વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડશે.
*​નોકરિયાત વર્ગ અને સામાન્ય જનતાના ખિસ્સા પર ભાર વધશે.
*​છાયાપુરી રેલવે સ્ટેશન માટેની ખાસ રાત્રિ બસ સેવા પણ બંધ થઈ જશે.

Most Popular

To Top