ડુંગળીના થેલાની આડમાં દારૂની હેરાફેરી, એક આરોપી ઝડપાયો
ઝાલોદ |
દાહોદ જિલ્લાના ચાકલીયા પોલીસ દ્વારા રાજસ્થાન રાજ્યની સરહદને જોડતી ટીંબી ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ દરમ્યાન મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નાતાલ તથા આવનારા થર્ટી ફર્સ્ટના તહેવારોને ધ્યાનમાં રાખી ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી સઘન વોચ દરમિયાન પોલીસને નોંધપાત્ર સફળતા મળી છે.
તા. ૨૫/૧૨/૨૦૨૫ના રોજ ચાકલીયા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.વી. વસાવા, પીએસઆઇ વી.એન. કોટવાલ તથા પોલીસ સ્ટાફ ટીંબી ચેક પોસ્ટ પર વાહન ચેકિંગમાં તૈનાત હતા. તે દરમિયાન રાજસ્થાનના કસારવાડી તરફથી આવતી આઇસર ગાડી નં. MH-18-BH-1143 શંકાસ્પદ જણાતાં તેને અટકાવવામાં આવી હતી. ગાડી પર બાંધેલી તાડપત્રી ખોલી તપાસ કરતાં ડુંગળીના થેલાઓની આડમાં છુપાવેલો ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ તથા બિયરની કુલ ૨૭૦ પેટીઓ અને ૭,૩૪૪ બોટલો મળી આવી હતી.
ઝડપાયેલા દારૂની કિંમત રૂ. ૨૪,૧૫,૩૬૨/- હોવાનું જાણવા મળ્યું છે. દારૂ પરિવહનમાં વપરાયેલી આઇસર ગાડીની કિંમત રૂ. ૭,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન રૂ. ૨,૦૦૦/- મળી કુલ રૂ. ૩૧,૧૭,૩૬૨/-નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં એક આરોપી અજય સંતોષ જાતે રાવત (રહે. રામુકેડી, જી. ઇન્દોર, મ.પ્ર.)ને ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે અન્ય આરોપીઓ ફરાર છે.
આ કાર્યવાહી મહાનિદેશક આર.વી. અસારી (પંચમહાલ–ગોધરા રેન્જ), દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા તથા ઝાલોદ નાયબ પોલીસ અધિક્ષક ડી.આર. પટેલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. તહેવારો દરમ્યાન પ્રોહિબિશન ગુનાઓ પર નિયંત્રણ માટે આ કાર્યવાહી મહત્વપૂર્ણ સાબિત થઈ છે.
રિપોર્ટર: દક્ષેશ ચૌહાણ