અમેરિકાએ ઉત્તરપશ્ચિમ નાઇજીરીયામાં ISIS આતંકવાદી સંગઠનના ઠેકાણાઓ પર મોટો હવાઈ હુમલો કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન અમેરિકી સેનાએ અનેક ચોક્કસ અને શક્તિશાળી એરસ્ટ્રાઈક કરીને આતંકવાદીઓના અડ્ડાઓને નષ્ટ કર્યા હોવાનું જણાવાયું છે. હુમલાના દૃશ્યોનો વીડિયો પણ અમેરિકાના યુદ્ધ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ હવાઈ હુમલાની માહિતી પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર શેર કરી હતી. ટ્રમ્પે જણાવ્યું હતું કે ઉત્તરપશ્ચિમ નાઇજીરીયામાં ISIS દ્વારા ખ્રિસ્તીઓની સતત હત્યાને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે લખ્યું “આજે રાત્રે, કમાન્ડર ઇન ચીફ તરીકે મારા નિર્દેશ પર, યુનાઇટેડ સ્ટેટ્સે ISIS આતંકવાદી જૂથો સામે એક શક્તિશાળી અને ઘાતક હુમલો કર્યો છે.”

ટ્રમ્પે વધુ કહ્યું કે ISIS આતંકવાદીઓ લાંબા સમયથી નિર્દોષ ખ્રિસ્તીઓને નિશાન બનાવી તેમની નિર્દયતાથી હત્યા કરી રહ્યા છે. “મેં અગાઉ પણ તેમને ચેતવણી આપી હતી કે જો ખ્રિસ્તીઓનો નરસંહાર બંધ નહીં થાય તો ગંભીર પરિણામો ભોગવવા પડશે અને આજે રાત્રે એ જ થયું છે”
અમેરિકન રાષ્ટ્રપતિએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમેરિકા કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદને કોઈપણ હાલતમાં ખીલવા દેશે નહીં. તેમણે જણાવ્યું કે યુદ્ધ વિભાગ દ્વારા કરવામાં આવેલા આ સચોટ હુમલાઓ ‘શક્તિ દ્વારા શાંતિ’નું પ્રતિક છે. જો આતંકવાદીઓ ખ્રિસ્તીઓ પર હુમલા ચાલુ રાખશે. તો તેમના વિરુદ્ધ કાર્યવાહી વધુ કડક બનશે.
યુદ્ધ વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર હવાઈ હુમલાના ફૂટેજ જાહેર કરતાં જણાવ્યું હતું કે આ કામગીરી રાતોરાત કરવામાં આવી હતી. નોંધનીય છે કે નાઇજીરીયામાં ISIS સામે અમેરિકાની આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે.