અમદાવાદ : અમદાવાદની એક વૃદ્ધ મહિલા પોતાની ફિક્સ ડિપોઝિટ વીડ્રો કરાવવા બેંકમાં ગઈ હતી, ત્યારે આ વૃદ્ધ મહિલાએ 27 લાખની ફિક્સ ડિપોઝિટ વીડ્રો કરી અજાણ્યા એકાઉન્ટમાં જમા કરાવવા ખૂબ જ ઉતાવળ કરતી હતી. આ જોઈ બેંકકર્મીને શંકા જતા વૃદ્ધાની પૂછપરછ કરી પરંતુ યોગ્ય જવાબ ન મળતા બેંક બેંક કર્મચારીએ ઉપલી અધિકારીને તેની જાણ કરી હતી. બાદમાં સમગ્ર મામલો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ધ્યાને આવતા પોલીસે આ વૃદ્ધા સાથે 27 લાખના ડિજિટલ એરેસ્ટનો પ્રયાસ નિષ્ફળ બનાવીને મહિલાને ડિજિટલ એરેસ્ટ કરતા સાયબર માફિયાઓના જાળમાંથી બહાર કઢાઈ હતી.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં રહેતી એક વૃદ્ધાને 18 ડિસેમ્બર-25ના રોજ અજાણ્યા નંબરથી કોલ આવ્યો હતો, અને જણાવ્યું હતું કે તેમના મોબાઈલ ફોન થી ભારતીય સેનાના 21 ખૂબ જ ગોપનીય, અને સંવેદનશીલ ફોટા, 17 સિનિયર આર્મી ઓફિસરના આઈકાર્ડ, સાત એટીએમ કાર્ડ પંજાબ પાકિસ્તાન બોર્ડરએ મોકલવામાં આવેલા છે. આ મામલે આસિફ ફોજીની ધરપકડ કરી છે, તેણે તમારું નામ જણાવ્યું છે, અને પાકિસ્તાન બોર્ડર ઉપર મનીલોન્ડરિંગ કરો છો. તેમ કહી સાયબર માફિયાઓએ આ વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટ કરીને તમારી પાસેની ફિક્સ ડિપોઝિટના નાણા ઉપાડીને અમે જણાવીએ તે બેંક એકાઉન્ટમાં જમા કરાવવાના રહેશે.
આથી આ વૃદ્ધ મહિલાએ પોતાની ફિક્સ ડિપોઝિટ તથા આજીવિકા રકમ ઉપાડી સાબરમતી વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડામાં ગયા હતા. જ્યાં ચેક ક્લિયરિંગ સ્ટાફમાં કામ કરતા હર્ષદભાઈ પરમારને આ વૃદ્ધ મહિલા ગભરાયેલી અને તેની હલચલ શંકાસ્પદ લાગી હતી, તે ડિજિટલ એરેસ્ટ થયા હોય તેવી શંકા જતા તેઓએ બેંક મેનેજર દિલીપ ચૌહાણને તેની જાણ કરી હતી. દિલીપ ચૌહાણએ તેમના ઉપલી અધિકારી રાજ પરમારને તમામ હકીકતથી વાકેફ કરતા આ સમગ્ર મામલાની જાણ ક્રાઈમ બ્રાન્ચને કરવામાં આવી હતી.
ક્રાઈમ બ્રાન્ચને આ અંગેની જાણકારી મળતા જ તાત્કાલિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઈશ્વર પટેલ બેંકમાં દોડી ગયા હતા અને મહિલા સાથે વાતચીત કરી તેને સમજાવીને સમગ્ર હકીકત જણાવી વૃદ્ધ મહિલાને 27 લાખ ગુનેગારોના એકાઉન્ટમાં જમા નહીં કરવા સમજાવી ડિજિટલ એરેસ્ટ થતા બચાવવામાં આવી હતી. આમ બેંક કર્મચારીઓ અને પોલીસની મદદથી વૃદ્ધ મહિલાના 27 લાખ રૂપિયાના ડિજિટલ એરેસ્ટનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો.