દાહોદ | તા. ૨૫
દાહોદ શહેરના પડાવ વિસ્તારમાં દૂધીમતી નદી કિનારે આવેલા શીતળા માતા મંદિર સામે રહેતા દાહોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિદ્યાબેન મોઢીયા સાથે ઠગાઈની ઘટના સામે આવી છે. મંદિરના નામે દાન કરાવવાની વાત કરી બે અજાણ્યા યુવકો તેમની પાસેથી સોનાના દાગીના લઈ ફરાર થઈ ગયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ ૨૫ ડિસેમ્બરના રોજ સવારે અંદાજે ૧૦:૦૦ કલાકે બે યુવકો બાઈક પર આવી વિદ્યાબેન મોઢીયાના ઘરે પહોંચ્યા હતા. તેમણે શીતળા માતા મંદિર માટે દાન કરવાની વાત કરી પહેલા મંદિરમાં દર્શન કર્યા બાદ વિદ્યાબેનના ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ યુવકોએ ખિસ્સામાંથી રૂપિયાની ગડ્ડી કાઢી સોનાને અડાવવાથી પૈસા પવિત્ર થાય તેવી વાત કરી હતી.
આ વાતમાં આવી જઈ વિદ્યાબેને પહેરેલી સોનાની કાનની બુટ્ટી અને ગળાની સોનાની ચેન અડાવવા આપતાં એક યુવકે તેમના માથા પર હાથ મૂકી બંને દાગીના ઉતારી લીધા હતા. બંને યુવકો તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. દાગીના ન હોવાનો ખ્યાલ આવતા વિદ્યાબેને ફરિયાદ નોંધાવી છે.
પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઘટનાને લઈ શહેરમાં ચકચાર ફેલાઈ છે અને નાગરિકોમાં સતર્કતા રાખવાની અપીલ કરવામાં આવી છે.