Vadodara

વારસિયામાં ત્રણ કાર સળગાવનાર બુટલેગર હેરી લુધવાનીનો સાગરીત ઝડપાયો

કિશનવાડીમાંથી એક આરોપીની ધરપકડ, મુખ્ય આરોપી હેરી હજુ ફરાર
વડોદરા, તા. 25
વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં સોસાયટીમાં પાર્ક કરેલી ત્રણ કારને જ્વલંતશીલ પદાર્થથી સળગાવી દેનાર બુટલેગર હેરી લુધવાનીની ગેંગના એક સાગરીતને પોલીસે ઝડપી પાડ્યો છે. જોકે, ઘટનાનો મુખ્ય આરોપી હેરી લુધવાની હજુ સુધી પોલીસ પકડથી દૂર છે અને તેની શોધખોળ તેજ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, તાજેતરમાં વારસિયા વિસ્તારમાં હેરી લુધવાની સહિતની ત્રિપુટીએ ત્રણ કારને આગ ચાંપી સળગાવી હતી. અગાઉ બુટલેગર અલ્પુ સિંધીની ગેંગ દ્વારા હેરી સિંધીને પંડ્યા બ્રિજ પાસે રોકીને હિંસક હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાની અદાવત રાખીને હેરી સિંધીએ અલ્પુના સાગરીત તથા તેના પાડોશીની મળી ત્રણ કારને સળગાવી વિસ્તારમાં દહેશત ફેલાવવાનો કાવતરું રચ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

આ મામલે ફરિયાદ નોંધાયા બાદ આરોપીઓ પોલીસથી બચવા ફરાર હતા. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ત્રિપુટી પૈકીનો આરોપી વિશાલ ઉર્ફે ગોધડી પવાર કિશનવાડી ઝંડા ચોક પાસે હાજર છે. બાતમીના આધારે વારસિયા પોલીસે ત્યાં પહોંચી વિશાલ પવારને ઝડપી પાડ્યો હતો.

પોલીસે ધરપકડ કરાયેલા આરોપીની પૂછપરછ શરૂ કરી છે, જ્યારે મુખ્ય આરોપી હેરી લુધવાનીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ અંગે પણ તપાસ ચાલી રહી છે અને વહેલી તકે હેરી લુધવાનીને પણ કાયદાની પકડમાં લાવવામાં આવશે.

Most Popular

To Top