માળી મહોલ્લાના મકાનમાંથી 85.90 ગ્રામ ગાંજો જપ્ત, NDPS એક્ટ હેઠળ કાર્યવાહી
વડોદરા :
વડોદરા શહેરના મકરપુરા ગામ વિસ્તારમાં નશીલા પદાર્થોના વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. મકરપુરા ગામના ચાર માતા મંદિર પાસે આવેલા માળી મહોલ્લામાં એક રહેણાંક મકાનમાંથી ગાંજાનું છૂટકમાં વેચાણ કરતો કેરિયર મકરપુરા પોલીસની ટીમે ઝડપી પાડ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મકરપુરા પોલીસ મથકની સર્વેલન્સ ટીમ નિયમિત પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે માળી મહોલ્લામાં રહેતો રવિ ઉર્ફે કુચો રાજુભાઈ માળી પોતાના મકાનમાંથી ગાંજાનો જથ્થો રાખી છૂટકમાં વેચાણ કરી રહ્યો છે. ચોક્કસ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક રેડ હાથ ધરી હતી.
રેડ દરમિયાન આરોપીના મકાનમાંથી અંદાજે 85.90 ગ્રામ ગાંજો, જેની કિંમત રૂ. 4,000થી વધુ હોવાનું પોલીસે જણાવ્યું છે, મળી આવ્યો હતો. સાથે જ રોકડ રકમ સહિત કુલ રૂ. 5,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી તેને કાયદેસર કસ્ટડીમાં લીધો છે.
પોલીસે જણાવ્યું કે આરોપી સામે NDPS Act હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ગાંજો, એમડી, ચરસ અને હેરોઈન જેવા નશીલા પદાર્થોના વેચાણ સામે પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.