Vadodara

કલાલીમાં કોન્ટ્રાક્ટરની ‘ધસી ગયેલી’ બુદ્ધિએ પાણીની લાઈન તોડી, હજારો લિટર શુદ્ધ પાણી રસ્તા પર વહી ગયું!

​”તંત્ર ઊંઘતું રહ્યું ને પાણી વહેતું રહ્યું: કલાલીમાં વિકાસના નામે વિનાશ, મુખ્ય લાઈનમાં બે મોટા ગાબડાં!”

​શું આ ‘લીકેજ’ કોન્ટ્રાક્ટરને ભારે પડશે? પાલિકા આડેધડ ખોદકામ કરનાર સામે લાલ આંખ કરશે કે કેમ?

વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં આવેલા ખિસકોલી સર્કલ પાસે પાલિકાની બેદરકારી અથવા તો કોન્ટ્રાક્ટરની ક્ષતિને કારણે પાણીની મુખ્ય વિતરણ લાઈનમાં ગંભીર ભંગાણ સર્જાયું છે. લાંબા સમયથી ચાલી રહેલા ખોદકામને કારણે સ્થાનિકો અને વાહનચાલકો પહેલેથી જ હાલાકી ભોગવી રહ્યા હતા, ત્યારે હવે પાણીની લાઈનમાં પડેલા બે મોટા ભંગાણને કારણે હજારો ગેલન શુદ્ધ પાણી રસ્તા પર વહી જતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, કલાલી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ કામગીરી અર્થે ખોદકામ ચાલી રહ્યું છે. આ દરમિયાન ખિસકોલી સર્કલ પાસે જ્યારે જેસીબી મશીનથી રોડ તોડવાની કામગીરી ચાલતી હતી, ત્યારે અચાનક પાણીની મુખ્ય લાઈન કપાઈ ગઈ હતી. લાઈનમાં એક નહીં પણ બે જગ્યાએ ભંગાણ પડતા પાણીનો જોરદાર ધોધ વહેવા લાગ્યો હતો. એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની બૂમરાણ છે, ત્યારે બીજી તરફ આવી બેદરકારીને કારણે કિંમતી પાણીનો સરેઆમ વેડફાટ થઈ રહ્યો છે.
​આ વિસ્તારમાં ખોદકામને કારણે વાહનવ્યવહાર પહેલેથી જ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. માંજલપુર કે અટલાદરા તરફથી આવતા વાહનોને સીધા જવાને બદલે વડસર તરફ ડાયવર્ટ કરાયા છે. વાહનચાલકોને અડધાથી એક કિલોમીટર જેટલો લાંબો ફેરો ખાવો પડી રહ્યો છે. હવે પાણીની લાઈનમાં ભંગાણને કારણે રિપેરિંગની કામગીરી વધુ લંબાય તેવી શક્યતા છે, જેને પગલે ટ્રાફિકની સમસ્યા હજુ થોડા દિવસો સુધી યથાવત રહી શકે છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જેસીબીથી રોડ ખોદતી વખતે જ આ લીકેજ થયા હતા, પરંતુ લાંબા સમય સુધી તેનું રિપેરિંગ કરવામાં આવ્યું નહોતું. સ્થાનિકોમાં ચર્ચા છે કે શું આ ભંગાણ સર્જનાર કોન્ટ્રાક્ટર સામે કોર્પોરેશન કોઈ કડક કાર્યવાહી કરશે? શું બેદરકાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવશે? હાલમાં તો લાઈન રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ આ ઘટનાએ પાલિકાના આયોજન સામે સવાલો ઊભા કર્યા છે.

Most Popular

To Top