અમદાવાદ: સખત પરિશ્રમથી પોતાનું ભવિષ્ય કંડારતી માહીએ આજે નાની ઉંમરે આકાશને આંબતી સિદ્ધિ મેળવી છે. અમદાવાદના પૂર્વ વિસ્તાર વસ્ત્રાલમાં રહેતી માહી ભટ્ટે અમેરિકાની સ્પેસ એજન્સી ‘નાસા’ (NASA) ની અત્યંત કઠિન ગણાતી ‘જુનિયર સાયન્ટિસ્ટ’ની પરીક્ષા પાસ કરી છે. આ પરીક્ષા પાસ કરીને એક નવો ઈતિહાસ રચ્યો છે.
માહીની સિદ્ધિનું કદ કેટલું મોટું છે તે આ આંકડા પરથી જાણી શકાય છે. નાસા દ્વારા આયોજિત આ પરીક્ષામાં વિશ્વભરમાંથી કુલ ૬ લાખ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આટલી મોટી સંખ્યામાંથી, ભારતમાંથી પસંદગી પામનારી માહી ભટ્ટ એકમાત્ર વિદ્યાર્થિની બની છે. લાખોની ભીડમાં પોતાની આગવી ઓળખ ઊભી કરીને તેણે સાબિત કર્યું છે કે ગુજરાતની દીકરીઓ વિશ્વના ફલક પર પણ શ્રેષ્ઠ છે.
માહીની આ સફળતા એ સાબિત કરે છે કે, પ્રતિભા કોઈ ‘હાઈ-ફાઈ’ સુવિધાની મોહતાજ નથી હોતી. હાલમાં શારદા બા એજ્યુકેશન કેમ્પસમાં અભ્યાસ કરતી માહીનું પ્રાથમિક ઘડતર સરકારી શાળામાં થયું હતું. તેણી 1થી 8 સુધી AMC સ્કૂલબોર્ડ ખોખરા પબ્લિક સ્કૂલ અંગ્રેજી માધ્યમની સરકારી શાળામાં અભ્યાસ કરતી હતી. ‘સરકારી શાળાના ઓટલેથી નાસાના રોકેટ સુધી’ની તેની આ સફર લાખો મધ્યમવર્ગીય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે.
માહીએ વૈશ્વિક સ્તરે ગુજરાતનો ડંકો વગાડ્યો છે : મુખ્યમંત્રી
૬ લાખ વિદ્યાર્થીઓમાંથી એકમાત્ર ભારતીય તરીકે પસંદગી પામવાની આ ઝળહળતી સિદ્ધિની નોંધ છેક ગાંધીનગર સુધી લેવાઈ હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની કેબિનેટ બેઠકમાં માહી ભટ્ટની વિશેષ નોંધ લીધી હતી. મુખ્યમંત્રીએ ગૌરવ સાથે જણાવ્યું હતું કે, વસ્ત્રાલની સામાન્ય પરિવારની દીકરીએ નાસા (NASA) ના સ્ટેમ (STEM) પ્રોજેક્ટમાં ગાઈડ તરીકે પસંદગી પામીને વૈશ્વિક સ્તરે ગુજરાતનો ડંકો વગાડ્યો છે. માહી જેવી દીકરીઓ ગુજરાતનું ભવિષ્ય છે.