નદીમાં છોડાતા આઉટફ્લોના પાણીના નમૂના લેબમાં મોકલાયા; જવાબદારો સામે કાર્યવાહીની શક્યતા



વડોદરાની જીવાદોરી સમાન વિશ્વામિત્રી નદીમાં ટ્રીટ કર્યા વિનાનું ગંદું પાણી છોડવા અંગે ‘ગુજરાતમિત્ર’ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા અહેવાલની વ્યાપક અસર જોવા મળી છે. તંત્રની ઘોર બેદરકારી ઉજાગર થયા બાદ, આજે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો સફાળી જાગી હતી અને સમા-છાણી વિસ્તારમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

‘ગુજરાતમિત્ર’ એ અહેવાલમાં સચોટ રીતે દર્શાવ્યું હતું કે કેવી રીતે કરોડોના ખર્ચ પછી પણ STP પ્લાન્ટમાંથી ટ્રીટ કર્યા વિનાનું પાણી સીધું નદીમાં પધરાવવામાં આવે છે. આ અહેવાલના આધારે GPCB ના અધિકારીઓએ બુધવારે સમા નજીક જ્યાંથી ગટરનું પાણી નદીમાં છોડવામાં આવે છે, તે આઉટફ્લો પોઈન્ટ પર જઈને પાણીના નમૂના લીધા હતા. આ ઉપરાંત નદીના પ્રવાહમાંથી પણ સેમ્પલ મેળવી તેને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે.
વિશ્વામિત્રી પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયાના ખર્ચ છતાં, છાણી અને સમા વિસ્તારના પમ્પિંગ સ્ટેશન દ્વારા ગટરના પાણી સીધેસીધા નદીમાં છોડી નદીને પ્રદૂષિત કરવામાં આવી રહી હતી. સ્થાનિક રહીશોની પીડા અને રોગચાળાના ભયને અખબારે વાચા આપતા તંત્રના ઉચ્ચ અધિકારીઓ સુધી તેની અસર પહોંચી હતી.
એક તરફ જ્યારે તંત્ર નદીને શુદ્ધ કરવાના પ્રોજેક્ટ્સની વાહવાહી લૂંટી રહ્યું છે, ત્યારે ખુદ પાલિકાના જ પ્લાન્ટમાંથી પ્રદૂષણ ફેલાતું હોવાનું પુરાવા સાથે સામે આવતા અધિકારીઓ બચાવની સ્થિતિમાં આવી ગયા છે. GPCB ની તપાસમાં જો પાણીના સેમ્પલ ફેઈલ આવશે, તો આગામી દિવસોમાં પાલિકા અને જવાબદાર STP ઓપરેટરો સામે કાયદેસરની કાર્યવાહી થવાની પૂરેપૂરી શક્યતા છે.
અખબારી અહેવાલ બાદ તંત્ર દોડતું થતાં સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે. લોકોનું કહેવું છે કે જો પત્રકાર આ રીતે પ્રશ્નો ન ઉઠાવે તો તંત્રના અધિકારીઓ ક્યારેય જાગતા નથી. હવે જોવાનું એ રહેશે કે માત્ર સેમ્પલ લઈને કામગીરી સમેટાઈ જશે કે ખરેખર નદીમાં ગંદું પાણી છોડવાનું કાયમી ધોરણે બંધ કરવામાં આવશે.