કેમિકલ-મુક્ત જીવન પદ્ધતિ પર પ્રોજેક્ટે જજોને કર્યા પ્રભાવિત
કાલોલ:
પંચમહાલ જિલ્લામાં યોજાયેલા જિલ્લાકક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ટીંબા ગામ પ્રાથમિક શાળા (તા. ગોધરા)ના વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ પ્રદર્શન પંચમહાલ જિલ્લા શિક્ષણ સમિતિ અને જિલ્લા શિક્ષણ તથા તાલીમ ભવનના સંયુક્ત ઉપક્રમે યોજાયું હતું.
કેમિકલ-મુક્ત અને ઇકો-ફ્રેન્ડલી વિચારધારા
શાળાની વિધાર્થિની કુમારી હેમાંગી અને કુમારી ક્રિષ્નાએ માર્ગદર્શક શિક્ષકો રઘુભાઈ ભરવાડ અને કલ્પેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કેમિકલ મુક્ત જીવન પદ્ધતિ વિષય પર નવતર પ્રોજેક્ટ રજૂ કર્યો. વધતા કેમિકલ યુક્ત ઉત્પાદનોના ઉપયોગથી માનવ જીવન પર થતા દુષ્પ્રભાવો સામે પ્રાકૃતિક વિકલ્પો રજૂ કરવાના હેતુથી આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.
આત્મનિર્ભર ભારતને વેગ આપતાં મોડલ્સ
વિદ્યાર્થીઓએ સંપૂર્ણ આત્મનિર્ભર ભારત અને ઇકો-ફ્રેન્ડલી વિચારધારાને આધારે નીચે મુજબના મોડલ્સ તૈયાર કર્યા હતા—
નેચરલ કુલિંગ સિસ્ટમ ફ્રિજ (A)
નેચરલ કુલિંગ સિસ્ટમ ફ્રિજ (B)
પ્રાકૃતિક વોટર કુલર
નેચરલ સાબુ
સ્વાસ્થ્યવર્ધક ચંપલ
દિવ્ય શક્તિ આસન
મુલતાની માટી મિક્સર મશીન
સાબુ બનાવવાનું મશીન
અન્ન રક્ષક પીપ
આ તમામ મોડલ્સ શાળામાં યોજાતા બેગ લેસ ડેની પ્રવૃત્તિઓ દરમિયાન તૈયાર કરાયા હતા.
સ્વસ્થ અને સલામત જીવન માટે પ્રાકૃતિક વિકલ્પ
વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટમાં સમજાવ્યું કે રેફ્રિજરેટર, એસી, કેમિકલ યુક્ત સાબુ, ખાદ્ય પદાર્થો અને અનાજ સંગ્રહમાં વપરાતા કેમિકલ્સ માનવ સ્વાસ્થ્ય માટે જોખમરૂપ બની રહ્યા છે. તેના સ્થાને પ્રાકૃતિક પદાર્થો આધારિત ઉત્પાદનો અપનાવવાથી જીવન વધુ સ્વસ્થ અને સુરક્ષિત બની શકે છે.
શાળા પરિવાર તરફથી અભિનંદન
જિલ્લાકક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનીઓને શાળાના આચાર્ય સતીશકુમાર પી. પ્રજાપતિ, સમગ્ર સ્ટાફ તથા એસએમસી સમિતિ દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ સિદ્ધિથી શાળા, ગામ અને સમગ્ર તાલુકામાં ગૌરવની લાગણી પ્રસરી છે.
રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા, કાલોલ