ક્ષણિક આવેશમાં એસિડ પી લેતી યુવતી માટે સરકારી હોસ્પિટલના તબીબોની કુનેહ અને સરકારની આયુષ્માન યોજના બની સંજીવની
અતિ ખર્ચાળ અને જટિલ ઓકોલોપ્લાસ્ટી સર્જરી એસએસજી હોસ્પિટલમાં નિ:શુલ્ક થઈ : 23 વર્ષીય યુવતી હવે મોં વડે જમી શકે
ખાનગી હોસ્પિટલમાં રૂ. ૩ લાખના ખર્ચ બાદ પણ નિરાશા સાંપડી હતી, જ્યારે સયાજી હોસ્પિટલમાં મફત અને શ્રેષ્ઠ સારવાર મળી



ક્ષણિક આવેશ કે હતાશામાં લેવાયેલું એક ખોટું પગલું સમગ્ર જીવનને અંધકારમાં ધકેલી શકે છે, પરંતુ જ્યારે દર્દીનું મક્કમ મનોબળ, સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ અને સરકારી તબીબોની સેવાભાવી નિષ્ઠાનો ત્રિવેણી સંગમ રચાય, ત્યારે મોતને મ્હાત આપીને ‘નવજીવન’ પણ પ્રાપ્ત કરી શકાય છે. વડોદરાની ૨૩ વર્ષીય સુમિત્રા (નામ બદલ્યું છે) ની કહાની કંઈક આવી જ છે, જેણે સર સયાજીરાવ જનરલ હોસ્પિટલના તબીબોની કુનેહથી પુનઃ સામાન્ય જીવન પ્રાપ્ત કર્યું છે.
વડોદરામાં રહેતી ૨૩ વર્ષીય યુવતી સુમિત્રાએ હતાશાની પળોમાં એસિડ ગટગટાવી લેતા તેમનું જીવન જોખમાયું હતું. શરૂઆતમાં પરિવારજનોએ તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. ત્યાં આશરે રૂપિયા ત્રણ લાખનો જંગી ખર્ચ કર્યા પછી પણ સુમિત્રાને સંપૂર્ણ સ્વસ્થતા ન મળી. એસિડની તીવ્ર અસરને કારણે તેમની અન્નનળી સંકોચાઈ ગઈ હતી અને જઠરને ગંભીર નુકસાન થયું હતું. પરિણામે, તે મોંઢેથી ખોરાક લઈ શકતી નહોતી અને પેટમાં સીધી નળી (ફીડિંગ ટ્યુબ) મારફતે પ્રવાહી ખોરાક લેવાની ફરજ પડી હતી. ખાનગી હોસ્પિટલની અધૂરી સારવાર અને આર્થિક ભારણથી થાકીને સુમિત્રાએ વડોદરાની મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી એસ.એસ.જી. હોસ્પિટલનો આશરો લીધો. અહીં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રંજન ઐયર અને સર્જરી વિભાગના વડા ડો. મુકેશ પંચોલીના માર્ગદર્શન હેઠળ તેમની સારવાર શરૂ થઈ. સર્જરી વિભાગના ડો. સમીર કચેરીવાલા અને તેમની ટીમના તબીબોએ સુમિત્રાનું માત્ર શારીરિક નિદાન જ નહીં, પરંતુ માનસિક કાઉન્સેલિંગ પણ કર્યું. ડોક્ટરના પ્રોત્સાહનથી સુમિત્રાએ મક્કમ મનોબળ સાથે કાયમી ઈલાજ માટે જટિલ સર્જરી કરાવવાનો નિર્ણય લીધો. જટિલ સર્જરી માટે સંમતિ મળતા ડો. સમીર કચેરીવાલા અને તેમની ટીમના સંયુક્ત પ્રયાસના કારણે ૬ થી ૮ કલાકની જહેમત બાદ સફળ સફળતાપૂર્વક પૂર્ણ થઈ. જેના પરિણામે સુમિત્રા હવે પેટ પરની નળીના બદલે કુદરતી રીતે મોંઢેથી જમી શકે છે. પોતાના અનુભવ વિશે ભાવુક થતા સુમિત્રા જણાવે છે કે, ‘ખાનગી હોસ્પિટલમાં રૂ. ૩ લાખ ખર્ચવા છતાં હું જમી શકતી નહોતી. જો આ ઓપરેશન મેં ખાનગી હોસ્પિટલમાં કરાવ્યું હોત તો, આશરે રૂ. ૭ થી ૮ લાખનો ખર્ચ થયો હોત, જે પરવડે તેમ ન્હોતું. પરંતુ આ સરકારી હોસ્પિટલના તબીબો-નર્સિંગ સ્ટાફનો દર્દીઓ પ્રત્યેનો સેવાભાવ, કર્મનિષ્ઠા અને આયુષ્માન ભારત યોજનાના કારણે મને એક પણ રૂપિયાના ખર્ચ વગર શ્રેષ્ઠ સારવાર મળી છે. આ અંગે ડો. સમીર કચેરીવાલાએ યુવાનોને હિંમતભેર જીવન જીવવાનો અનુરોધ કરતા જણાવ્યું કે, જીવનની નબળી ક્ષણોમાં એસિડ પીવા જેવું પગલું ક્યારેય ના ભરવું જોઈએ. એસિડ પીવાના કિસ્સામાં ૧૦ ટકા દર્દીઓના મૃત્યુ થાય છે અને બચેલા દર્દીઓનું જીવન અત્યંત પીડાદાયક બની જાય છે. એસ.એસ.જી. હોસ્પિટલમાં દર મહિને આવા ૨-૩ કેસ આવે છે અને દર વર્ષે ૫-૬ દર્દીઓની આવી જટિલ સર્જરી કરવામાં આવે છે.
શું છે ઓકોલોપ્લાસ્ટી?
એસિડ પીવાના કિસ્સામાં દર્દીની અન્નનળીનું સંકોચન થઈ જાય છે. જેથી દર્દી ના તો ખાઈ શકે છે, ના તો કંઈ પી શકે છે. થૂંક પણ ગળા નીચે નથી ઉતારી શકાતું, એટલી ગંભીર પરિસ્થિતિ હોય છે. આવા કિસ્સામાં નિદાનના ભાગરૂપે ગળાના સર્જન તેમજ ગેસ્ટ્રો (આંતરડા) માટેના સર્જન, ફીઝીશ્યન દ્વારા લેસર, દૂરબીન દ્વારા ડાયલેટેશન જેવા વિકલ્પ પણ અસ્તિત્વમાં છે. પરંતુ આ તમામ પદ્ધતિથી કાયમી ઉકેલ મળતો નથી. સમયાંતરે એન્ડોસ્કોપીક ડાયલેટેશન કરવું પડે છે અથવા તો પેટની બહાર નળી રાખીને માત્ર પ્રવાહી પદાર્થ જ લેવો – આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. પરંતુ ઓકોલોપ્લાસ્ટી નામની જટિલ સર્જરીથી આ કિસ્સામાં કાયમી નિદાન મળે છે. જ્યારે દર્દીનું અન્નનળીનું સંકોચન એન્ડોસ્કોપીક રીતે દૂર કરવું શક્ય નથી હોતું, ત્યારે જટિલ સર્જરી થકી પેટમાં રહેલા મોટા આંતરડાને ઉદરપટલ ઉપર છાતી ભાગે થઈને ગળા સુધી લઈ જવામાં આવે છે. મોં અને જઠર વચ્ચે એક બાયપાસ બનાવવામાં આવે છે, આ પ્રક્રિયાને ઓકોલોપ્લાસ્ટી કહેવામાં આવે છે. ક્ષણિક આવેશના અંધકારમાંથી ઉજાસ તરફની સુમિત્રાની આ સફર અનેક હતાશ હૃદયો માટે પ્રેરણારૂપ છે. આ કિસ્સો પ્રતિતિ કરાવે છે કે, જ્યારે દર્દીની મક્કમ ઈચ્છાશક્તિને સરકારી તંત્રની સંવેદના અને તબીબી વિજ્ઞાનની નિપુણતાનો સાથ મળે છે, ત્યારે ગમે તેવી વિકટ પરિસ્થિતિ પણ હારી જાય છે. એસ.એસ.જી. હોસ્પિટલની આ સફળતા માત્ર એક જટિલ સર્જરી કે આર્થિક રાહત પૂરતી સીમિત નથી, પરંતુ રાજ્ય સરકારની ‘સૌને સ્વાસ્થ્ય’ની નેમ અને છેવાડાના માનવી સુધી ઉત્તમ સારવાર પહોંચાડવાની કટિબદ્ધતાનો જીવંત પુરાવો છે. સુમિત્રાના ચહેરા પરનું સ્મિત એ વાતની સાક્ષી છે કે સરકારી હોસ્પિટલો હવે માત્ર સારવારનું કેન્દ્ર નહીં, પણ ‘સેવા અને શુશ્રૂષા’નું તીર્થ બની રહી છે.