Vadodara

“શ્રીકૃષ્ણઃ શરણમ્ મમ્” મહામંત્રના મહાજાપથી સર્વે દોષો દૂર થાય છે : પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી

વિશ્વ હિંદુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનો તૃતીય દિવસ ભક્તિરસમાં સરાબોર

વડોદરા: વડોદરાની પાવન નગરી નવલખી ગ્રાઉન્ડે વિશ્વ હિંદુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવના તૃતીય દિવસે શ્રીકૃષ્ણમય વાતાવરણ છવાઈ ગયું હતું. હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ VYO Educationના બાળકો દ્વારા રજૂ થયેલા “શ્રી યમુના યમુના” અને “છોટી છોટી ગૈયા છોટે છોટે ગ્વાલ”ના મધુર સંગીત–નૃત્ય સાથે ભક્તિના તરંગો અનુભવે સમગ્ર સભામંડપને કૃષ્ણમય બનાવી દીધો હતો.
“શ્રીકૃષ્ણઃ શરણમ્ મમ્” મહામંત્રનું મહત્ત્વ


તૃતીય દિવસે પ્રવચન કરતા પૂજયશ્રીએ જણાવ્યું કે “શ્રીકૃષ્ણઃ શરણમ્ મમ્” મહામંત્રનો મહાજાપ કરવાથી સર્વે દોષો દૂર થાય છે અને ચિત્ત–મન શુદ્ધ બની ભક્તિમય બને છે. તેમણે શ્રીમદ્ ભાગવતના પ્રથમ સ્કંદના અંતમાં આવતાં રાજા પરીક્ષિત અને સુખદેવજીના સંવાદનો સાર રજૂ કર્યો.
જીવનની અનિશ્ચિતતા અને સમયનું મૂલ્ય
પૂજ્યશ્રીએ જણાવ્યું કે જીવનનો કોઈ ભરોસો નથી—શ્વાસ ક્યારે બંધ થઈ જાય તે કોઈને ખબર નથી. કાળ અને ઈશ્વર ઇચ્છા સામે કોઈનું ચાલતું નથી. સત્સંગ અને ભક્તિ દ્વારા ઈશ્વર કૃપાથી મૃત્યુને થોડું પાછળ ધકેલી શકાય છે. તેથી અમૂલ્ય સમયનો સદુપયોગ કરીને શ્રવણ, સ્મરણ અને કીર્તન દ્વારા આત્મકલ્યાણ કરવું જોઈએ.
વિરાટ સ્વરૂપ અને એકતાનો ભાવ
વિશ્વ પરમાત્માનું સ્વરૂપ છે અને 14 લોક ભગવાનના વિરાટ સ્વરૂપમાં સમાયેલાં છે. હવેલીમાં બિરાજતા ઠાકોરજી હોય કે ઘરમાં પૂજાતા સ્વરૂપ—બધાં એક જ છે, એવી ભાવના સાથે સેવા કરવી જોઈએ. શ્રી વલ્લભાચાર્ય, શ્રી યમુનાજી અને શ્રીનાથજી—ત્રણે સ્વરૂપ એક જ પૂર્ણ પુરુષોત્તમના દર્શન કરાવે છે.
ચતુઃશ્લોકી ભાગવત અને ભક્તિનું પ્રકાશ
ચતુઃશ્લોકી ભાગવતમાંથી પ્રગટ થયેલું શ્રીમદ્ ભાગવતરૂપી વૃક્ષ ભગવાનની સાક્ષાત હાજરીનો પુરાવો છે. ભગવાનની ભક્તિ જીવનને પ્રકાશ તરફ લઈ જાય છે અને અંધકારરૂપ દુઃખ દૂર કરે છે.
પ્રાતઃ સમયનું મહત્ત્વ અને જીવનશૈલી
પૂજ્યશ્રીએ સંદેશ આપ્યો કે સંધ્યાકાળે આહાર, ભોગવિલાસ અને નિદ્રા ટાળવી જોઈએ. પ્રાતઃ સમય બ્રહ્મમુહૂર્ત છે—રાત્રે 10થી સવારે 4 સુધીની ઊંઘ શ્રેષ્ઠ ગણાય છે. સુખ–આનંદ આપણા અંદર જ છે અને ભગવાનની ભક્તિ એ શ્રેષ્ઠ માર્ગ છે.
પુષ્ટિમાર્ગ અને આત્મકલ્યાણના નવ રત્ન
નિષ્કામ પ્રેમલક્ષણા ભક્તિનો માર્ગ—પુષ્ટિમાર્ગ—ઘર છોડ્યા વિના પ્રભુપ્રાપ્તિનો આનંદ આપે છે. આત્મકલ્યાણ માટે નવ રત્નો જણાવાયા: ધર્મપાલન, પ્રારબ્ધમાં સંતોષ, ગુરુચરણ પૂજા, વિષયવાસનાથી દુર રહેવું, અહિંસા, આવશ્યકતા સિવાયનો ત્યાગ, પ્રભુસેવા–સત્સંગ, મૌન અને ધ્યાન.
પ્રભુના ચરણારવિંદનું તીર્થસ્વરૂપ
પ્રભુના શ્યામ ચરણારવિંદ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે, શ્વેત નખ શ્રી ગંગાજી અને લાલાયુક્ત તળિયા શ્રી સરસ્વતીજીનું સ્વરૂપ—અર્થાત્ ચરણારવિંદમાં ત્રિવેણી સંગમ સમાયેલો છે. તેથી હંમેશા પ્રભુના ચરણારવિંદમાં નમન કરવું જોઈએ.
ભગવાનને પ્રિય એવા ભક્તો
અંતે પૂજ્યશ્રીએ કહ્યું કે ભગવાનને તે ભક્તો પ્રિય છે જે નિષ્કામ કર્તવ્યપાલન કરે, હિંસારહિત જીવન જીવે, સેવા–દર્શન–સ્મરણ કરે, સર્વજીવોમાં પ્રભુના દર્શન કરે, ગુરુજનને માન આપે, દિનદુખિયાં પર દયા કરે, અહંકાર ત્યાગે અને સદાય પ્રભુચિત્તમાં લીન રહે.

Most Popular

To Top