ટ્રાફિક અને સામાન્ય જનતાને ભારે અડચણ થતી હોવાની અનેક ફરિયાદો નગરપાલિકાને મળી હતી, પોલીસ બોલાવવી પડી
હાલોલ:
હાલોલ નગરપાલિકા દ્વારા શહેરના શાકમાર્કેટ વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર દબાણો અને પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જાહેર રસ્તાઓ પર આડેધડ લારીઓ ઊભી રહેતા ટ્રાફિક અને સામાન્ય જનતાને ભારે અડચણ થતી હોવાની અનેક ફરિયાદો નગરપાલિકાને મળી હતી.
આ ફરિયાદોને ધ્યાને લઈ ચીફ ઓફિસર ગૌરાંગ પટેલની સૂચનાથી પાલિકાનીની આરોગ્ય ટીમે ગઈકાલે શાકમાર્કેટમાં વિશેષ ડ્રાઇવ હાથ ધરી હતી. કાર્યવાહી દરમિયાન દબાણ હટાવવું, સ્થળ પર કચરો ન થાય તેની સુચના આપવી તેમજ પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ રોકવા અંગે કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું.

કાર્યવાહી દરમિયાન કેટલાક લારીચાલકો દ્વારા નગરપાલિકાની ટીમનો વિરોધ કરવામાં આવ્યો હતો. ઉશ્કેરાયેલા લારીચાલકો દ્વારા બોલાચાલી કરતા પરિસ્થિતિ તણાવપૂર્ણ બની હતી અને કામગીરીમાં અવરોધ ઊભો થયો હતો. પરિસ્થિતિ બગડે નહીં અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી નગરપાલિકાની ટીમે તાત્કાલિક પોલીસમાં લેખિત અરજી આપી હતી.

બનાવની જાણ થતાં જ હાલોલ પોલીસના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને તેમની હાજરીમાં ગેરકાયદેસર રીતે ઉભી રહેલી લારીઓ હટાવવાની તેમજ અડચણરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. નગરપાલિકાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરમાં દબાણ, ગંદકી અને સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે આવનારા દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.
રિપોર્ટર: યોગેશ ચૌહાણ