Gujarat

સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ

સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડો રૂપિયાના જમીન કૌભાંડની તપાસ દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે. લાંબી પૂછપરછ અને સર્ચ ઓપરેશન બાદ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે. ED દ્વારા આજે 24 ડિસેમ્બરના રોજ તેમને અમદાવાદ ગ્રામ્ય કોર્ટની વિશેષ અદાલતમાં રજૂ કરીને વધુ તપાસ માટે 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવશે. જોકે EDના દરોડા દરમિયાન નાયબ મામલતદારના ઘરેથી 67.50 લાખની રોકડ મળી આવી છે.

ગઈ કાલે મંગળવાર વહેલી સવારથી જ EDની મહારાષ્ટ્ર, દિલ્હી અને બેંગ્લોરની ટીમોએ સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, NA શાખાના ક્લાર્ક મયુરસિંહ ગોહિલ, કલેક્ટરના PA જયરાજસિંહ જાડેજા તેમજ વકીલ ડી. ચેતન કણઝરીયાના નિવાસસ્થાનો પર તપાસ હાથ ધરવામાં આવી હતી. ચંદ્રસિંહ મોરીની ધરપકડ થતાં સમગ્ર વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર જમીન સંપાદન અને બિનખેતી (NA) મંજૂરી પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ થયાની ફરિયાદ ED સુધી પહોંચી હતી. આ મામલે દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.

હાલ ED દ્વારા જપ્ત કરાયેલા દસ્તાવેજો અને પુરાવાઓના આધારે તપાસ વધુ ઊંડાણમાં લઈ જવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં આ જમીન કૌભાંડમાં સંડોવાયેલા અન્ય મોટા અધિકારીઓ સામે પણ કાર્યવાહી થવાની શક્યતા નકારી શકાય નહીં.

Most Popular

To Top