Kalol

“તું મારી પત્ની સાથે આડા સંબંધ કેમ રાખે છે?” કહી માર માર્યો

કાલોલના નર્મદા કેનાલ બ્રિજ પાસે યુવક પર આડા સંબંધના આક્ષેપ સાથે હુમલો
ગડદા-પાટુ, લાકડી અને લોખંડની પાઇપથી મારામારી, બંને પક્ષે સામસામી ફરિયાદ
કાલોલ, તા. 24
કાલોલ તાલુકાના અંબાલા ગામ નજીક સાતમણા નર્મદા કેનાલ બ્રિજ પાસે આડા સંબંધના આક્ષેપને લઈને ગંભીર મારામારીની ઘટના સામે આવી છે. આ મામલે કાલોલ પોલીસ મથકે બંને પક્ષે સામસામી ફરિયાદો નોંધાતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ફરિયાદ મુજબ, અંબાલા ગામના રહેવાસી મંગળસિંહ ભારતસિંહ રાઠોડે નોંધાવેલી વિગતો પ્રમાણે તેમના પુત્ર દિલીપ સોમવારે બપોરે નોકરી માટે મોટરસાયકલ લઈને નીકળ્યા હતા. તે સમયે સાતમણા નર્મદા કેનાલ બ્રિજ પાસે કિશનભાઈ યોગેશભાઈ ચૌહાણ, યોગેશભાઈ સામતભાઈ ચૌહાણ, રાજેશભાઈ સામતભાઈ ચૌહાણ અને વિક્રમભાઈ લક્ષ્મણભાઈ રાઠોડે દિલીપને અટકાવી ગંદી ગાળો બોલી હતી. યોગેશભાઈએ “તું મારી પત્ની સાથે આડા સંબંધ કેમ રાખે છે?” કહી ઉશ્કેરણી કરતાં ચારેયએ દિલીપને પકડી ગડદા-પાટુનો માર માર્યો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ કિશનભાઈએ લોખંડની પાઇપથી, જ્યારે રાજેશ અને વિક્રમે લાકડી વડે માર માર્યો હતો.
ગંભીર રીતે ઇજાગ્રસ્ત દિલીપને તાત્કાલિક કાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
બીજી તરફ, સામે પક્ષે યોગેશભાઈ સામતભાઈ ચૌહાણે પણ દિલીપસિંહ મંગળસિંહ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી છે. તેમાં જણાવ્યા મુજબ આડા સંબંધો અંગે પૂછપરછ કરતાં દિલીપ ઉશ્કેરાઈ ગયો હતો, ગાળો બોલી ગડદા-પાટુનો માર માર્યો અને નજીકથી લાકડાનો દંડો ઉઠાવી કમરના ભાગે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ સમગ્ર ઘટનાને લઈને કાલોલ પોલીસે બંને પક્ષોની ફરિયાદો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top