Entertainment

ધુરંધર હિટ થયા પછી અક્ષય ખન્નાએ ફીમાં કર્યો વધારો, ‘દ્રશ્યમ 3’ છોડવાની ચર્ચા

બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહેલી ફિલ્મ ‘ધૂરંધર’ બાદ અભિનેતા અક્ષય ખન્ના ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. ફિલ્મમાં તેમના પ્રભાવશાળી અભિનય, ડાઈલોગ ડિલિવરી અને સ્ક્રીન પ્રેઝન્સને દર્શકો તથા વિવેચકો બંને તરફથી પ્રશંસા મળી છે. આ સફળતાનો સીધો લાભ અક્ષય ખન્નાની માંગ પર પડ્યો હોય તેવું કહેવામા આવી રહ્યું છે.

મીડિયા અહેવાલો મુજબ ‘ધૂરંધર’ની મોટી સફળતા પછી અક્ષય ખન્નાએ પોતાની ફિલ્મ ફીમાં નોંધપાત્ર વધારો કરવાની માંગ કરી છે. આ વચ્ચે એક ચોંકાવનારી ચર્ચા સામે આવી છે કે તેમણે સુપરહિટ ફ્રેન્ચાઇઝી ‘દ્રશ્યમ 3’માંથી પોતાનો હાથ ખેંચી લીધો છે. અહેવાલો અનુસાર ફી સંબંધિત મુદ્દાઓ અને સર્જનાત્મક મતભેદોને કારણે અક્ષય ખન્ના અને ફિલ્મના નિર્માતાઓ વચ્ચે સહમતિ ન બની શકી.

રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે અક્ષય ખન્નાએ માત્ર ફીમાં વધારો જ નહીં પરંતુ ફિલ્મમાં પોતાના ઓનસ્ક્રીન લુક અને પાત્રની રજૂઆતમાં ફેરફાર કરવાની પણ માંગ કરી હતી. આ બાબતે ફિલ્મ નિર્માતા ટીમ સાથે મતભેદ ઊભા થતાં તેમણે ફિલ્મ છોડવાનો નિર્ણય લીધો હોવાનું કહેવાય છે.

જોકે આ મુદ્દે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ ઇન્ડસ્ટ્રીના અંદરના સૂત્રોનું કહેવું છે કે અક્ષય ખન્ના અને ‘દ્રશ્યમ 3’ના નિર્માતાઓ વચ્ચે હજી ચર્ચા ચાલુ છે એટલે કે અભિનેતા ફિલ્મમાં પાછા ફરવાની શક્યતા સંપૂર્ણપણે નકારી શકાય તેમ પણ નથી.

ઉલ્લેખનીય છે કે ‘ધૂરંધર’ ફિલ્મે માત્ર 19 દિવસમાં લગભગ રૂ 590 કરોડથી પણ વધુની કમાણી કરી છે. ફિલ્મની સફળતાએ અક્ષય ખન્નાને ફરી એકવાર બોલીવુડના હોટ ફેવરિટ કલાકારોની યાદીમાં સામેલ કરી દીધા છે.

Most Popular

To Top