પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વધુ બગડતા શાહબાઝ શરીફ સરકારને મોટો નિર્ણય લેવો પડ્યો છે. દેશની સરકારી એરલાઇન પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA)ને અંતે ખાનગી હાથોમાં સોંપવામાં આવી છે. ગઈ કાલે મંગળવારે ઇસ્લામાબાદમાં યોજાયેલી હરાજી પ્રક્રિયા બાદ PIAને 135 બિલિયનના સોદામાં વેચી દેવામાં આવી છે. આ સોદા સાથે પાકિસ્તાનના ઇતિહાસના સૌથી મોટા ખાનગીકરણોમાંનો એક પૂર્ણ થયો છે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર PIAના ખાનગીકરણ માટે ત્રણ પૂર્વ-લાયક પક્ષોએ બિડમાં ભાગ લીધો હતો. તેમાં લકી સિમેન્ટ, ખાનગી એરલાઇન એરબ્લ્યુ અને રોકાણ કંપની આરિફ હબીબ ગ્રુપનો સમાવેશ થાય છે. પારદર્શિતા જળવાઈ રહે તે માટે તમામ બિડ સીલબંધ બોક્સમાં જમા કરાવવામાં આવી હતી અને સમગ્ર પ્રક્રિયાનું સ્થાનિક ટેલિવિઝન પર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.
બીજા રાઉન્ડમાં બિડ ખોલતાં આરિફ હબીબ ગ્રુપ સૌથી વધુ બોલી લગાવનાર તરીકે સામે આવ્યું. સરકારે PIA માટે સંદર્ભ કિંમત 100 બિલિયન નક્કી કરી હતી. નિયમો અનુસાર બે સૌથી વધુ બોલી લગાવનારાઓ વચ્ચે અંતિમ સ્પર્ધા યોજાઈ હતી. આ દરમિયાન આરિફ હબીબ અને લકી સિમેન્ટ વચ્ચે કડક હોડ જોવા મળી. અંતે આરિફ હબીબ ગ્રુપે 135 બિલિયનની સૌથી ઊંચી બોલી લગાવી અને PIAનો સોદો જીત્યો.
સરકારની યોજના મુજબ પ્રારંભિક તબક્કામાં PIAના 75 ટકા હિસ્સા વેચવામાં આવ્યા છે. સફળ બોલી લગાવનારને બાકીનો 25 ટકા હિસ્સો ખરીદવા માટે 90 દિવસનો સમય મળશે. વેચાણમાંથી મળેલી રકમમાંથી 92.5 ટકા રકમ એરલાઇનના પુનર્વિકાસ અને કામગીરીમાં રોકાણ માટે વપરાશે, જ્યારે 7.5 ટકા રકમ સરકાર પાસે જશે. ઉપરાંત, નવા રોકાણકારને આગામી પાંચ વર્ષમાં 80 બિલિયનનું વધારાનું રોકાણ કરવું પડશે.
એક સમયે વૈશ્વિક સ્તરે નામ ધરાવતી PIA વર્ષોના ગેરવહીવટ અને નુકસાનીને કારણે મુશ્કેલીમાં આવી ગઈ હતી. સરકારનું માનવું છે કે ખાનગીકરણથી એરલાઇનને નવી દિશા મળશે અને પાકિસ્તાનની આર્થિક સ્થિતિમાં થોડી રાહત મળશે.