Comments

વૃદ્ધાવસ્થા પ્રકૃતિ આધિન છે પણ પાછલી ઉંમરે આનંદિતતા વ્યકિત આધારિત છે

કોઈ વ્યક્તિની પાછલી જિંદગી કેવી જશે એ વિશે અગાઉથી આગાહી કરી શકાય એવું નથી! એ જીવન શાંતિપૂર્ણ અને નિરોગી પણ હોઈ શકે છે તો વિપરીત, એકાંગી, નીરસ, ભારરૂપ અને પીડાકારી પણ સંભવી શકે છે. દીકરા-દીકરીઓ, વહુઓ અને સગાં સંબંધી હોવા છતા ઘરના એક ખુણે કે વૃદ્ધાશ્રમમાં એકલવાયું અને ઉપેક્ષાભર્યું જીવન વિતાવવું પડતું હોય એવું શક્ય છે, તો બીજી બાજુ દીકરા-દીકરીઓ, વહુઓ ને મિત્રો, સગા-સંબંધીઓ તરફથી એટલો પ્રેમ, આદર અને હુંફભર્યો સદ્દભાવ મળી શકે છે કે નિવૃત્તિનો છેલ્લો સમય સુખપૂર્ણ, શાંતિભર્યો અને જીવનના શિખર પર પહોંચ્યા પછીની ધન્યતાથી ભરેલો પણ હોઈ શકે છે. ઘડપણ ક્યારેક પ્રભુના આશીર્વાદ જેવું તો ક્યારેક રીતસરનો અભિશાપ હોય એવું પણ વીતી શકે છે. જિંદગીના છેલ્લા શ્વાસ ક્યારે પૂરાં થાય તેની ક્યારેક રાહ પણ જોવાતી હોય છે. તો એનાથી ઉલટું થોડુંક વધુ જીવવાનું મળી જાય તો કેવું સારું..! એવી અભિપ્સા પણ માણસના મનમાં જાગતી હોય છે.

વૃદ્ધાવસ્થા એ સામાજિક દષ્ટિએ નિવૃત્તિ અને આરામની ઉંમર ગણાય છે, પણ આજકાલ એક યા બે સંતાન હોય એવા માબાપને ભાગ્યે જ નિવૃત્તિ કે આરામ મળી શકે છે. એક જ દીકરી હોય તો દીકરી લગ્ન પછી પોતાનાં પરિવાર સાથે દૂર અને ક્યારેક વિદેશમાં હોય છે. દીકરાને અભ્યાસ પૂરો થયા પછી પોતાનાં જ શહેર કે ગામમાં નોકરી મળે એવું નક્કી નથી. મા-બાપને આરામ આપવાની ઈચ્છા હોવા છતાં દીકરાને નોકરીમાં સેટ કરવા નાનકડું ભાડાનું મકાન લઈ એકલા કે પત્ની સાથે રહેવું પડે છે. ક્યારેક માબાપ દીકરાને ચિંતામાં મુકવા માગતા નથી હોતા. આથી કુટુંબમાં જુવાન દીકરો-વહુ હોવા છતાં વતનમાં પોતાનું ઘર સંભાળવા એકલા જ રહે છે. આથી કરી પાછલી જિંદગીમાં પણ ઘર ચલાવવા માટેની ચિંતામાંથી મુક્તિ મળતી નથી. ઘણીવાર અભ્યાસ માટે પણ દીકરા-દીકરીને માબાપથી દૂર રહેવું પડે છે અને એ પછી નોકરી મળતાં કે લગ્ન પછી ઊભા થયેલા સંજોગોના કારણે માબાપથી અલગ રહેવું પડે છે.

ઈચ્છવા છતા પોતાને સંતાન ન હોય એવી સ્થિતિમાં જિંદગીભર હૂંફ કે સહારા વિનાનું જીવન વિતાવતા દંપતી પણ આપણી આસપાસ છે. જો કે સમજદાર દંપતીએ આવી સ્થિતિમાં આગળથી જ એવું આયોજન કરવું રહ્યું કે, પાછલી જિંદગીમાં આર્થિક ભીસ ઊભી ન થાય. પાછલી જિંદગીમાં કોઈની સામે હાથ લંબાવવો ન પડે એ રીતે પહેલેથી જ પેન્શન, વ્યાજ કે ભાડાની રકમ મળ્યા કરે એવી વ્યવસ્થા ગોઠવવી. એક બે સંતાન હોય તો પણ પાછલી ઉમરમાં એમને કોઈ ચિંતા કરવી ન પડે એ રીતે પોતાની જરૂરિયાત મુજબ સારવાર, તીર્થયાત્રા કે ગમતી પ્રવૃતિ કરી શકાય એવું આયોજન કેટલાક સમજદાર દંપતી કરી લેતા હોય છે.

પરિવારની દરેક પુખ્ત વ્યક્તિએ પોતપોતાનો વ્યવસાય કે નોકરી ધંધો કરવો પડતો હોય એવા કુટુંબમાં વડીલોનું કામ જિંદગીભર છૂટતું નથી. દીકરો અને વહુ બંને નોકરી ધંધા પર જતા હોય તો ઘરમાં રહેતા માબાપ કે વડીલોએ થોડું ઘણું કામ કરવું જ પડે છે. પૌત્ર-પૌત્રાદીને સાચવવા પડે છે. અભ્યાસ પૂરો તથા દીકરીઓ પણ સર્વિસ કરતી જ હોય છે અને લગ્ન સુધીની કે લગ્ન પછી પણ નોકરી ચાલુ રાખતી હોવાથી માબાપને છેક વૃદ્ધાવસ્થા સુધી ઘરકામમાં મદદ કરવી પડે છે.

વૃદ્ધાવસ્થામાં પતિ-પત્નીમાંથી કોઈ એક શરીર છોડીને ચાલ્યું જાય તો પાછળ બચેલી વ્યક્તિએ સંતાનો, વહુઓ કે સગાં-સબંધીઓ સાથે જિંદગી વિતાવવી ભારે પડી શકે છે. છોકરા-છોકરીઓને ભણાવ્યા હોય, લગ્ન કરી આપ્યાં હોય અને છેલ્લે હવે પોતાને સહારાની જરૂર હોય ત્યારે વારાફરતે સંતાનોને ત્યાં થોડો થોડો સમય વીતાવતા કે, પોતે બોજરૂપ બની ગયેલ છે એવું અનુભવતા માબાપની પાછલી જિંદગી એવી વ્યથા ભરી હોય છે કે નિકટતાની પળોમાં એમની મુંઝવણ અને વ્યથા સાંભળીએ તો જ ખ્યાલ આવે.

પોતાની પાછલી જિંદગી રોગ-રહિત અને આત્મનિર્ભર હોય તો સારું. બાકી અચાનક કોઈ બીમારી આવે, અકસ્માતે હાડકા ભાંગે, પરાધીન થઈને જીવવું પડે ત્યારે વ્યક્તિગત પીડા અસહ્ય છે. આજના જમાનામાં સંતાનો પાસે પણ સમય નથી. પોતાની જ જિંદગીમાં એ એટલા બધાં અટવાયેલા હોય છે કે માબાપ પાસે ઈચ્છે તો પણ રહી ન શકે, સારવાર કરવી હોય તો પણ કરી ન શકે અને કેટલાક કિસ્સાઓમાં સંતાનો સારી સ્થિતિમાં હોય તો સારવાર અને બીજી જરૂરત માટે આર્થિક વ્યવસ્થા કરી માબાપ માટે સમય કે એમના છેલ્લાં સમયમાં હુંફ આપવાની, સ-વિશેષ માબાપે એમના માટે જે કંઈ પણ કર્યું એ બધું જ ભૂલી જાય છે. નવા સમયે એ હકીક્ત બને છે કે યુવકો પોતે માબાપ માટે કશુંક કરી રહ્યા છે વાત તે કંટાળાજનક અને સમયની બરબાદી લાગે છે.

બદલાતા સામાજીક સંબંધો વચ્ચે હવે વૃદ્ધ થતા મા-બાપ એ પોતાના વર્તનમાં અત્યારથી સુધાર લાવવો પડશે. વલવલિયા કે ભાર રાખીને જીવતા વડીલો કોઇનોય પ્રેમ મેળવી શક્તા નથી. તેમ જીભના ચટાકા જાળવી રાખનાર વૃદ્ધો પણ પોતાના શરીરથી જ હારી જાય છે. આથી પ્રથમથી જ ખાવા-પીવામાં, જીવનવ્યવહારમાં સંતુલન રાખવું જોઈએ. પૂરતી ઊંઘ મળે, સાચી ભૂખ લાગે તે માટે માણસે રોજ થોડો વ્યાયામ, ચાલવાની ટેવ પાડવી જોઈએ.

ધ્યાન રહે પોઝિટિવ થિંકિંગ અને આધ્યાત્મિક અભિગમ જીવનનો આધાર બની રહે છે. કટોકટીની પળોમાં વ્યક્તિ ભાંગી પડતી નથી. છેક સુધી એ સ્વસ્થ-નીરોગી અને આનંદભર્યું જીવન જીવી, પાછળ થોડી સુવાસ છોડીને વિદાય થાય છે. નકારત્મક વલણ રાખીને જીવતા, સબંધો બાંધી કે સાચવી ન શક્તા, છેક સુધી સંતાનોને વારસો કે વ્યવહાર પ્રેમે ન સોપનાર વડીલો લાચાર સ્થિતિમાં મુકાય છે ત્યારે તેમની માટે તો જીવનનો પાછલો સમય દોઝખ જેવો બની જાય છે.

રાતભર ઊંઘ ન આવે, શ્વાસ ચડે, ‘ખોં.. ખોં..” કરવું પડે. પોતે જ પોતાના પીડાભર્યા સમયને મને-કમને પૂરો કરવો પડે છે. મિત્રો આજે પોષક આહાર, સાધન સુવિધા શરીર સારવાર ને દવાઓના કારણે ભારતમાં વડીલનું સરેરાશ આયુષ્ય ૭૦-૭૨ વર્ષનું થયું છે પણ સાથોસાથ ઘડપણ વસમું, એકલવાયું અને બોજારૂપ બનતું જાય છે. સમાજમાં અને આખા વિશ્વમાં વૃદ્ધોની સમસ્યા વધતી જાય છે. અનેક નવા નવા વૃદ્ધાશ્રમો ખૂલતા હોવા છતાં પ્રવેશ મેળવવા લાઈનમાં ઊભા રહેવું પડે છે!

યાદ રહે જીવન સંધ્યાના અંતિમ પડાવે જ્યારે શરીર અને સબંધો જીર્ણ થઈ જાય છે ત્યારે વિવેકી માણસોએ ૫૦ વર્ષ વટાવતાની સાથે જ જીવનનાં અંતિમ ૩૦-૪૦ વર્ષનું આયોજન કરવું જોઈએ. સ્વસ્થ શરીર અને સાદગીભર્યા આરોગ્યપ્રદ જીવન પૂરતી આર્થિક સગવડ વ્યક્તિનો છેલ્લો સહારો બને છે. પ્રેમાળ સ્વભાવ અને ઈશ્વર ચિંતનથી માણસ સતત હકારાત્મક રહે છે. મનુષ્ય ઉર્જાનું ઐશ્વર્યમાં પરિવર્તન અહીંથી જ આકાર લે છે તે ન ભૂલવું. ઈશ્વરે આવતીકાલની બાંહેધરી કોઈને પણ આપતો નથી, ત્યારે નૂતનવર્ષે સંકલ્પ કરીયે કે સ્વસ્થતાથી વર્તમાનમાં જ જીવીશું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top