ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ આજે 24 ડિસેમ્બર બુધવારે એક વધુ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આજે સવારે 8:54 વાગ્યે શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના બીજા લોન્ચ પેડ પરથી નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન સેટેલાઈટ ‘બ્લૂબર્ડ બ્લોક-2’નું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું. આ લોન્ચિંગ ISROના સૌથી શક્તિશાળી રોકેટ LVM3 દ્વારા કરવામાં આવ્યું હતું.
આ મિશન અમેરિકાની કંપની AST સ્પેસમોબાઈલ અને ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) વચ્ચે થયેલી સમજૂતી હેઠળ પૂર્ણ થયું છે. LVM3ની આ છઠ્ઠી ઓપરેશનલ ઉડાન (LVM3-M6) હતી. બ્લૂબર્ડ બ્લોક-2 એક અત્યાધુનિક કમ્યુનિકેશન સેટેલાઈટ છે. જે લો અર્થ ઓર્બિટ (LEO)માં તૈનાત કરવામાં આવશે.
આ સેટેલાઈટની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સામાન્ય સ્માર્ટફોનને સીધું સ્પેસમાંથી હાઈ-સ્પીડ ઈન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડશે. ખાસ કરીને એવા વિસ્તારોમાં, જ્યાં જમીન આધારિત મોબાઈલ નેટવર્ક ઉપલબ્ધ નથી. ત્યાં આ ટેકનોલોજી ક્રાંતિકારી સાબિત થશે.
બ્લૂબર્ડ બ્લોક-2નું વજન આશરે 6,100થી 6,500 કિલોગ્રામ છે. જે LVM3 દ્વારા ભારતમાંથી લોન્ચ થયેલો અત્યાર સુધીનો સૌથી ભારે કોમર્શિયલ પેલોડ છે. તેમાં 223 ચોરસ મીટરનો વિશાળ ફેઝ્ડ એરે એન્ટેના લગાવવામાં આવ્યો છે. આ સેટેલાઈટ 4G અને 5G સેવાઓને સપોર્ટ કરશે અને પ્રતિ કવરેજ સેલ 120 Mbps સુધીની ડેટા સ્પીડ આપવાની ક્ષમતા ધરાવે છે.
ISROનું LVM3 રોકેટ સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી વિકસિત છે અને અગાઉ ચંદ્રયાન-2, ચંદ્રયાન-3 તેમજ વનવેબ જેવા મહત્વપૂર્ણ મિશનો સફળતાપૂર્વક પૂર્ણ કરી ચૂક્યું છે. બ્લૂબર્ડ બ્લોક-2ના સફળ લોન્ચ સાથે ભારતે વૈશ્વિક સ્પેસ કમ્યુનિકેશન ક્ષેત્રમાં પોતાની મજબૂત હાજરી વધુ એક વખત સાબિત કરી છે.