વિશ્વ હિંદુ પ્રેરણા મહોત્સવ અંતર્ગત શ્રીમદ્ ભાગવત સપ્તાહના બીજા દિવસે ભીડ વધતા મંડપ નાનો પડ્યો
વડોદરા : શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતે આયોજિત વિશ્વ હિંદુ પ્રેરણા મહોત્સવ અંતર્ગત શ્રીમદ્ ભાગવત સપ્તાહના બીજા દિવસે વૈષ્ણવ ભક્તોની અભૂતપૂર્વ ભીડ જોવા મળી હતી. પૂજ્ય પાદ ગોસ્વામી વ્રજરજકુમાર મહોદયશ્રીની દિવ્ય મધુરવાણીથી હજારો ભક્તો ભાવવિભોર બન્યા હતા. ભક્તોની સંખ્યા એટલી મોટી હતી કે મંડપ નાનો પડ્યો અને આસપાસના વિસ્તારોમાં પણ વૈષ્ણવોનો ઘોડાપુર ઉમટી પડ્યો હતો. આયોજકો મુજબ અંદાજે 50,000થી વધુ લોકોએ કથાનો લાભ લીધો.

કથાની શરૂઆત VYO એજ્યુકેશનના બાળકો દ્વારા “જય હો શ્રીનાથજી” અને “શ્રી મધુરાષ્ટકમ”ની સંગીત-નૃત્ય સાથેની ઝાંખીથી કરવામાં આવી, જેને લઈ સમગ્ર મેદાન ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું.
દ્વિતીય દિવસની કથામાં પૂજ્યશ્રીએ જણાવ્યું કે શ્રીમદ્ ભાગવતના 12 સ્કંધ ભગવાનના 12 અંગ સમાન છે. દરેક સ્કંધ માનવજીવનને કલ્યાણ, ઉત્કર્ષ અને ઉન્નતિ તરફ દોરી જાય છે. તેમણે શ્રી વલ્લભાચાર્યજીના પ્રસંગો વર્ણવીને ભાગવત ગ્રંથના મહાત્મ્યને વિશેષ રીતે સમજાવ્યું.
પૂજ્યશ્રીએ બુદ્ધિ, મન અને જીવન પર નિયંત્રણ રાખવાની પ્રેરણા આપતાં જણાવ્યું કે સત્સંગ, સેવા, જપપાઠ અને હરિનામ સંકીર્તન દ્વારા જીવન કૃષ્ણમય અને આનંદમય બને છે. સાથે જ આધુનિક યુગમાં મોબાઈલ પર સંયમ રાખવાની પણ સ્પષ્ટ સમજ આપી.