Sukhsar

સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો

સુખસર–ફતેપુરા તાલુકામાં નાતાલ પર્વની મંજૂરી મુદ્દે આવેદનપત્ર

(પ્રતિનિધિ) સુખસર, તા. 23
સુખસર તથા ફતેપુરા તાલુકામાં વસવાટ કરતા કાયદેસર રીતે સરકારી ચોપડે નોંધાયેલા ખ્રિસ્તીઓને જ નાતાલ પર્વની ઉજવણી માટે મંજૂરી આપવામાં આવે તેવી માંગ સાથે સ્થાનિક નાગરિકોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હોવાનું જાણવા મળે છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે કેટલાક લોકો સાચા ખ્રિસ્તી ન હોવા છતાં બંને ધર્મના લાભો લેતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે, જેથી નાતાલ પર્વ માટે પરવાનગી આપતા પહેલા યોગ્ય ચકાસણી કરવામાં આવે.
આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આદિવાસી વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો, પ્રાર્થનાઓ અને સેમિનારોના માધ્યમથી ભોળા આદિવાસીઓને લોભ-લાલચ સહિતની રીતોથી ધર્માંતરણ માટે પ્રેરિત કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો છે. રજૂઆતમાં એ પણ જણાવાયું છે કે આદિવાસી સમાજ પોતાની પરંપરા અને સંસ્કૃતિ મુજબ ધર્મનું પાલન કરતો આવ્યો છે અને તેને સંવિધાનિક સંરક્ષણ પ્રાપ્ત છે.
રજુઆતકારોએ માગ કરી છે કે નાતાલ પર્વની ઉજવણી માટે પરવાનગી માંગતા અરજદારોના પ્રમાણપત્રોની તપાસ કરી માત્ર કાયદેસર રીતે નોંધાયેલા ખ્રિસ્તીઓને જ મંજૂરી આપવામાં આવે. સાથે જ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ, 2021 મુજબની જોગવાઈઓનું કડક પાલન થાય તેવી માંગ પણ કરવામાં આવી છે.
આ બાબતે જાણ મામલતદાર ફતેપુરા અને સુખસર સહિત સંબંધિત અધિકારીઓને કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

Most Popular

To Top